
- આકાશમાં ઘનઘોર વાદળોથી અંધારપટ છવાયો,
- બનાસકાંઠામાં સીઝનનો 85.67 ટકાથી વધુ વરસાદ પડ્યો,
પાલનપુરઃ બનાસકાંઠામાં સીઝનનો 85.67 ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગત રાતથી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતાં અંધારપટ છવાયું હતું. ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગ પર પાણી વેહતું થયું હતું. અંબાજી આજુબાજુ ડુંગર વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય વિસ્તારોની તુલનાએ ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો હતો. પણ હવે ગઈ કાલથી ઉત્તર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી દાંતા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર નદીની જેમ પાણી વેહતા થયા હતા. અડધો કલાક વરસાદ પડતા સમગ્ર અંબાજી પાણી પાણી થયું હતું અને રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.
બનાસકાંઠાના થરાદ, ડીસા સહિત અનેક વિસ્તારો પણ વરસાદ પડ્યો છે. જિલ્લામાં ભાદરવા માસની શરૂઆતથી જ વરસાદી હેલી શરૂ થઈ છે. ચોમાસાના બે મહિના દરમિયાન રાજ્યના અન્ય જિલ્લાની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હતો. ત્યારે હવે ચોથા રાઉન્ડનો વરસાદ મન મૂકીને વરસે અને જિલ્લાના ત્રણેય ડેમ છલકાઈ જાય તેવી આશા છે. બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.