1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડનગર નજીક ધરોઈમાં ટેન્ટસિટી ઊભુ કરીને પ્રવાસીઓને આકર્ષાશે
વડનગર નજીક ધરોઈમાં ટેન્ટસિટી ઊભુ કરીને પ્રવાસીઓને આકર્ષાશે

વડનગર નજીક ધરોઈમાં ટેન્ટસિટી ઊભુ કરીને પ્રવાસીઓને આકર્ષાશે

0
Social Share
  • ધોરડો અને ધોળાવીરાની જેમ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા કરાયુ આયોજન
  • ધરોઈ ડેમ પાસે સાબરમતીના પટમાં ટેન્ટનગરી ઊભી કરાશે
  • પ્રવાસન સ્થળ વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવને જોડશે

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. નવા નવા પ્રવાસન સ્થળો શોધીને એનો વિકાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરી શરૂ કરી છે.  આ પ્રોજેક્ટ ગુજરાત અને ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રવાસીઓને આ વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડવાનું કામ કરશે અને તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર બનનારા  બ્રિજના પ્રોજેક્ટના નકશા-અંદાજો ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરીની વિવિધ જોગવાઈઓને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવ્યા છે. ધરોઈ ડેમ પાસે પણ ભવ્ય ટેન્ટ સિટી બનાવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે રૂ. 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વ-સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે  તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજ્ય સરકારે ધરોઈ ડેમને  ટુરિસ્ટ  હબ તરીકે વિકસાવવા માટે સર્કિટ બનાવી છે, જે વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા અગ્રણી સ્થળોને 90 કિમીની ત્રિજ્યામાં જોડશે. સમગ્ર પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં અમલી બનશે. આ પ્રકલ્પમાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના, એમ્ફીથિયેટર, રિવરએજ ડેવલપમેન્ટ, લેઝર શો, પંચતત્વ પાર્ક અને નાદબ્રહ્મ  આકર્ષણો હશે. રાજ્ય સરકારે વર્ષ 2023ના બજેટમાં ધરોઈમાં ટેન્ટસિટી ઊભી કરવાની જાહેરાત કરી હતી. અંદાજે 15થી 17 હજાર ચોરસ મીટર જગ્યામાં ડેમ વિસ્તારમાં 15 ટેન્ટ સાથે ટેન્ટસિટી ઊભી કરવાનું આયોજન કરાયું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, કચ્છના રણમાં આવેલા ધોરડો અને ધોળાવીરા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેન્ટ સિટીને સારો પ્રતિસાદ મળ્યો છે. તેમાં પણ કચ્છ રણોત્સવમાં ટેન્ટ સિટીમાં ફરવા આવનારો વર્ગ મોટો છે. તેથી  ધરોઈને ગ્લોબલ પ્રવાસીઓના આકર્ષણ સ્થળ તરીકે લોકપ્રિય બનાવવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટેન્ટસિટી ઊભી કરવા ટેન્ડરિંગ પણ કરી દેવાયું છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ ધરોઈ ડેમને તેના આસપાસના વિવિધ પ્રવાસન અને યાત્રાધામ તારંગા ટેમ્પલ, પોળો ફોરેસ્ટ અને અંબાજી મંદિરને જોડવાનું કામ કરશે તેથી સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code