ગાંધીનગર, 21 જાન્યુઆરી 2026: પાટનગર ગાંધીનગરમાં જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરાતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. આથી ટ્રાફિક પોલીસે રોડ પર આડેધડ થતાં પાર્કિંગ સામે ઝૂંબેશ હાથ ધરી છે. શહેરના પીડીપીયુ અને ભાઈજીપુરા રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરીને 30થી વધુ વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા.
ગાંધીનગર શહેરમાં મુખ્ય માર્ગો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે આડેધડ પાર્કિંગની સમસ્યા દિનપ્રતિદિન માથાના દુખાવા સમાન બની રહી છે. આ સ્થિતિને ડામવા માટે ગાંધીનગર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. પીડીપીયુ અને ભાઈજીપુરા રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી લાલ આંખ કરવામાં આવતા વાહન માલિકો ફફડી ઉઠ્યા હતાં. શહેરના મોટાભાગના કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગ માટે ખોલવામાં આવતા નથી. પરિણામે ખરીદી માટે આવતા નાગરિકો અને ખુદ દુકાનદારો પણ રોડ પર કે સર્વિસ રોડ પર વાહનો ખડકી દે છે. ભાઈજીપુરાથી પીડીપીયુ રોડ પર આવેલી દુકાનો અને કોમ્પ્લેક્સ આગળ પાર્કિંગની સમસ્યાએ માઝા મૂકી છે. આ અંગે ટ્રાફિક પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે પાર્કિંગના નિયમો તોડવામાં ગ્રાહકો સાથે વેપારીઓ પણ સામેલ છે.
શહેર ટ્રાફિક પોલીસની ટીમે ભાઈજીપુરા, પીડીપીયુ રોડ પરના કોમર્શિયલ વિસ્તાર અને સર્વિસ રોડ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. અને અડચણરૂપ પાર્ક કરેલા 30થી વધુ વાહનોને સ્થળ પર જ નો-પાર્કિંગના મેમો ફટકારવામાં આવ્યા હતા. પોલીસની આ આકસ્મિક કામગીરીથી આડેધડ પાર્કિંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો વાહનો લઈને દોડતા થઈ ગયા હતા. ત્યારે ટ્રાફિકથી પરેશાન જાગૃત નાગરિકોએ પોલીસની આ કામગીરી સતત ચાલુ રાખવા માંગ પણ કરી છે.


