સુરત, 10 એપ્રિલ 2026: Two accused arrested from Mumbai for cheating સોશિયલ મિડિયાના જમાનામાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. અને ભણેલા-ગણેલા લોકો જ સાબર માફિયાની ઝાળમાં ફસાતા હોય છે. સુરતના એક નાગરિકને વોટ્સએપ પર આરટીઓ ચણલના નામે APK ફાઈલ મોકલી તેના બેંક ખાતામાંથી ₹9.60 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરીને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં દરોડા પાડીને ડિજિટલ ઈ-ચલણના નામે છેતરપિંડી આચરતા બે શખસોને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બીએસસીનો વિદ્યાર્થી વૈષ્ણવ સંજય દાંગડ અને રિક્ષાચાલક નિલેશ રત્નાકર કલમ્બેનો સમાવેશ થાય છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના ફરિયાદી એવા એક નાગરિકના મોબાઈલ ફોન પર ‘RTO CHALLAN-1.apk’ નામની એક શંકાસ્પદ ફાઈલ મોકલવામાં આવી હતી. ફરિયાદીએ આ ફાઈલ ઓપન કરતા જ આરોપીઓએ તેમના ફોનનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર તેમના HDFC બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ ₹9,60,000 આરોપીઓના યસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આ બનાવની ફરિયાદ સાયર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી હતી.
સુરત સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ કૌભાંડના છેડા મુંબઈના ઘાટકોપર સુધી લંબાયા હતા. તપાસમાં ખૂલ્યું હતું કે મુખ્ય સૂત્રધારના કહેવા પર 18 વર્ષીય વિદ્યાર્થી વૈષ્ણવે રિક્ષાચાલક નિલેશના નામે યસ બેંકમાં ‘મ્યુલ એકાઉન્ટ’ ખોલાવ્યું હતું. આ ખાતાનો ઉપયોગ માત્ર છેતરપિંડીના નાણાં મેળવવા માટે જ થતો હતો. સુરત સાયબર ક્રાઈમ પોલીસે મુંબઈમાં ઓપરેશન પાર પાડી બન્ને આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ કમિશનની લાલચમાં પોતાના ખાતા ભાડે આપતા હતા. ફરિયાદીના નાણાં ખાતામાં જમા થતા જ તેઓએ બેંકમાં રૂબરૂ જઈ ચેક અને એટીએમ મારફતે રકમ ઉપાડી લીધી હતી. પોતાનું કમિશન કાપીને બાકીની રોકડ રકમ તેઓ મુખ્ય સૂત્રધારને પહોંચાડતા હતા. હાલ પોલીસ આ ટોળકી દ્વારા અન્ય કેટલા લોકો શિકાર બન્યા છે તેની તપાસ કરી રહી છે.
સુરત પોલીસે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવી મુખ્ય સૂત્રધારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ સરકારી વિભાગ ક્યારેય એપીકે ફાઈલ મોકલતું નથી, તેથી અજાણી લિંક પર ક્લિક ન કરવું અને છેતરપિંડીના કિસ્સામાં તુરંત 1930 નંબર પર સંપર્ક કરવો.


