1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં અકસ્માતના ત્રણ બનાવોમાં મહિલા સહિત બે બાળકોના મોત
વડોદરામાં અકસ્માતના ત્રણ બનાવોમાં  મહિલા સહિત બે બાળકોના મોત

વડોદરામાં અકસ્માતના ત્રણ બનાવોમાં મહિલા સહિત બે બાળકોના મોત

0
Social Share

વડોદરા, 20 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરમાં અકસ્માતોના વધુ ત્રણ બનાવો બન્યા છે. જુદા જુદા અકસ્માતોના ત્રણ બનાવોમાં મહિલા સહિત બે બાળકોના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતના બનાવમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ફાયર બ્રિગેડના ટેન્કરે અકસ્માત સર્જતા 10 વર્ષીય બાળકનું મોત થયું છે, જ્યારે બીજા અકસ્માતના બનાવમાં શહેરના મકરપુરા વિસ્તારમાં બે કાર વચ્ચે અકસ્માત બાદ કાર બાઈક સાથે અથડાતા પિતા સાથે સ્કૂલ પર જઈ રહેલી 7 વર્ષની બાળકીનું કરૂણ મોત નીપજ્યું.હતું. બંને બનાવને પગલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ત્રીજી એક હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના કારેલીબાગ પાણીની ટાંકીમાંથી પાણી ભરવા આવેલા ફાયરબ્રિગેડના ટેન્કરે રોડ પર ઊભેલા શ્રમજીવી પરિવારના બાળકને કચડી નાખતા મોત થયું હતું. મૂળ ખેડાના દિલીપભાઈ રાયસંગભાઈ તળપદા પરિવાર સાથે હાલમાં વડોદરા કારેલીબાગ પાણીની ટાંકી પાસે ફૂટપાથ પર બેસી શેરડીનું વેચાણ કરે છે અને ત્યાં જ પડાવ નાખીને રહે છે. સોમવારે બપોરે પોણા બે વાગ્યે તેમનો 10 વર્ષનો બાળક દિપક ટાંકી પાસે રમતો હતો. આ દરમિયાન કારેલીબાગ પાણીની ટાંકીમાંથી પાણી ભરવા આવેલા ફાયરબ્રિગેડના ટેન્કરના ચાલકે બેદરકારી પૂર્વક ટેન્કર રિવર્સ લેતા ટેન્કરના પૈડા બાળકના માથા પર ફરી વળતા બાળકનું મોત થયું હતું. ત્યારબાદ ટેન્કર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. કુંભારવાડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે,  શહેરના મકરપુરાના માણેજા વિસ્તારમાં પિતા સાથે બાઈક પર જઈ રહેલી 7 વર્ષીય બાળકીનું અકસ્માતમાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બાઈક ચાલક તેની દીકરીને શાળાએથી લેવા ગયા હતા, ત્યારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે અકસ્માત થતાં એક કાર રોડ પરથી પસાર થતા બાઈક ચાલક સાથે અથડાઈ હતી. જેના કારણે બાઈક પર સવાર પિતા, પુત્રી રોડ પર ફંગોળાઈને પડતા તેઓને ઇજા થઈ હતી. અકસ્માતની ઘટનાને લઈને નજીકમાં ઊભેલા રિક્ષા ચાલક દોડી આવીને ઈજાગ્રસ્ત પિતા, પુત્રીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાઈક ચાલક ચેતન ઘનશ્યામભાઇ સોલંકી (રહે. શિવબાનગર, માણેજા) તથા તેમની 6 વર્ષની પુત્રી જીયાનને સયાજી હોસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરે બાળકીનું મો ત થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે ચેતનભાઈને ડાબી આંખ પર ઈજા થઈ હતી

અકસ્માતના ત્રીજા બનાવમાં ગોત્રી તળાવ પાસે આવેલી પાણીની ટાંકી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતુ. મૃતક મહિલાનું નામ અમરીતા પ્રજાપતિ તરીકે થઈ છે અને ગોત્રી પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી, જેને પોલીસે ગણતરીની કલાકોમાં જ પકડી પાડ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code