અમદાવાદ, 10 માર્ચ, 2026: Two groups from the same community clashed, શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગરમાં ગત રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષે સામસામે એકબીજા પર પથ્થર ફેંક્યા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે 6 લોકોની અટકાયત કરી છે.
આ બનાવની વિગત એવી છે. કે, શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગરમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા દંતાણી સમાજના બે જૂથ વચ્ચે રાતના સમયે પથ્થરમારો થયો હતો. સોસાયટીમાં રહેતા એક પરિવારના ત્યાં બહારથી કેટલાક લોકો આવ્યા હતા જેને લઈને બીજા પરિવારે વિરોધ કર્યો હતો. જે બાદ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બન્યો હતો જેમાં બંને પરિવારના લોકોએ મારામારી કરી હતી. બંને પરિવારે સોસાયટીના ગેટ પાસે સામસામે પથ્થરમારો પણ કર્યો હતો. પરિવારની મહિલાઓએ પણ એકબીજા પર પથ્થર ફેંક્યા હતા. આ બનાવની જાણ થતા રાણીપ પોલીસની 4થી 5 ગાડી સ્થળ પર પહોચી હતી. પોલીસે મામલો થાળે પાડી સ્થળ પરથી જ કેટલાક લોકોની અટકાયત કરી હતી. તમામ લોકોને રાણીપ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
રાણીપ પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. એક જ સમાજના લોકો વચ્ચે ઝઘડો થતાં પથ્થરમારો થયો હતો. કોઈને ઇજા પહોંચી નથી. સ્થળ પરથી જ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ મામલે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.


