- પાલનપુર-ડીસા હાઈવે પર બદલપુરા પાટિયા નજીક સર્જાયો અકસ્માત,
- ઈકોકારનું ટાયર ફાટતા ડિવાઈર સાથે અથડાઈને પલટી ખાધી,
- ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જ્યારે પાલનપુર-ડીસા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, પાલનપુર-ડીસા હાઈવે પર બદરપુરા પાટિયા નજીક ઈકો કાર ડિવાઈડર સાથે ટકરાઈ પલ્ટી મારી જતાં બે વ્યક્તિના મોત થયા હતા, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, પાલનપુર-ડીસા હાઇવે પર બદરપુરા પાટિયા નજીક ઈકો કારનું ટાયર ફાટતાં કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટાયર ફાટ્યા બાદ કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈને પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક બે પર પહોંચ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ગઢ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના મુદ્દા પર ધ્યાન દોર્યું છે. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


