
- સાંવરિયા શેઠના દર્શન કરી પરત આવતા ઉનાના બે વેપારી અકસ્માતનો ભોગ બન્યા,
- કાર ડિવાઈડર સાથે અથડાઈને રેલિંગમાં ઘૂંસી ગઈ,
- અકસ્માતમાં ત્રણને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
હિંમતનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો ધતા જાય છે. ત્યારે હિંમતનગર-શામળાજી હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. સાંવરિયા શેઠના દર્શન કરીને પરત ફરી રહેલા ઊનાના વેપારીઓની કારને હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં પ્રવાસ કરી રહેલા બે વેપારીઓના મોત નિપજ્યા હતા. અને ત્રણને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના કંસારી ગામના પાંચ વેપારીઓ 23 સપ્ટેમ્બરે રાત્રે ટેરેનો કારમાં રાજસ્થાન સાંવરિયા શેઠના દર્શને ગયા હતા. પરત ફરતી વખતે શામળાજી-હિંમતનગર હાઈવે પર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર તોડીને સામેની સાઈડમાં રેલિંગ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા બે લોકોનાં કરુણ મોત નિપજ્યાં હતા અને અન્ય ત્રણને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રેલિંગનું પતરું કારમાં ઘૂસી ગયું હતું.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રેલિંગનું પતરું કારમાં ઘૂસી જતાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું હતું. પતરું કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. આ અકસ્માતમાં ખોળના વેપારી અંકિત ઢાંઢિયા (ઉ.વ.30) અને એલ્યુમિનિયમના વેપારી ઘનશ્યામ ડાગોદ્રા (ઉ.વ.35)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ.જ્યારે ફર્નિચરના વેપારી દિવ્યેશ ટાંચક (ઉ.વ.28), કડિયાકામ કરતા કાંતિ બાબરીયા (ઉ.વ.35) અને ફર્નિચરના વેપારી જતિન ટાંચક (ઉ.વ.25)ને ઈજા થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે.