
- જયરાજસિંહ પર શંકા હતી ત્યાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ખૂલ્યાં રહસ્યો,
- હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યાની ધમકી આપીને જવાબદારી સ્વીકારી,
- ગોંડલના રાજકારણમાં ફરી આવ્યો ગરમાવો
રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ગત રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં બાઈક પર આવેલા બે બુકાની ધારી શખસો દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રીબડા પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય જાવેદ ખોખર દ્વારા બીએનએસની કલમ 109, 54 તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યુ હોવાની ઈન્સ્ટ્રાગ્રામ પર વિડિયો મુકીને કબુલાત કરતા હાલ પોલીસ હાર્દિકસિંહ જાડેજાને શોધી રહી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એકવાર તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈરાતે લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના ‘રીબડા પેટ્રોલિયમ’ પર બે અજાણ્યા બુકાનીધારી શખસોએ ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જોકે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો છે. પેટ્રોલ પંપના કર્મચારીએ જયરાજસિંહ જાડેજા પર શંકા વ્યક્ત કરી હતી. ત્યારે આ ઘટનાથી ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
પેટ્રોલ પંપના કર્મચારીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અજાણ્યા માણસો પાસે જયરાજસિંહ ટેમુભા જાડેજા ગોંડલ વાળાએ ફાયરિંગ કરાવ્યું હોવાની મને શંકા છે. 24 જુલાઈ 2025 ના રોજ રાત્રિના 1:00 વાગ્યા આસપાસ અચાનક જ ઓફિસના કાચ ઉપર ફાયરિંગ થયું હતું. જેથી કાચ તૂટી ગોળી અંદર આવી હતી. તેમજ ઓફિસમાં રહેલા મંદિરના ખૂણા ઉપર લાગતા મંદિરનો લાકડાનો ટુકડો તૂટી નીચે પડી ગયો હતો. બંને અજાણ્યા માણસોની ઉંમર 25થી 30 વર્ષની અને મધ્યમ બાંધાના હોવાનું જણાઈ આવ્યું હતું. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે હાર્દિકસિંહ જાડેજા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાર જેટલા વીડિયોની સ્ટોરી મૂકવામાં આવી છે. આ વીડિયોમાં હાર્દિકસિંહ પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરી રહ્યો છે અને રાજદીપસિંહ જાડેજાને ખુલ્લી ધમકી પણ આપી રહ્યો છે. વાઇરલ થયેલા આ વીડિયોમાં હાર્દિકસિંહ બેફામ વાણીવર્તન કરતા જોવા મળી રહ્યો છે, જેનાથી આ મામલો વધુ ગંભીર બન્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ હાર્દિકસિંહના વીડિયોની ખરાઈ કરી રહી છે અને CCTV ફૂટેજ તથા અન્ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો સપાટી પર લાવી દીધો છે. પોલીસની તપાસમાં હવે શું નવા ખુલાસા થાય છે અને હાર્દિકસિંહની આ મામલે શું ભૂમિકા છે એ જોવાનું રહેશે.