1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં કારચાલક સાથે ઝગડો કરી 35 લાખ લૂંટી લેનારી છારા ગેન્ગના બે શખસો પકડાયા
સુરતમાં કારચાલક સાથે ઝગડો કરી 35 લાખ લૂંટી લેનારી છારા ગેન્ગના બે શખસો પકડાયા

સુરતમાં કારચાલક સાથે ઝગડો કરી 35 લાખ લૂંટી લેનારી છારા ગેન્ગના બે શખસો પકડાયા

0
Social Share

સુરત, 25 ફેબ્રુઆરી 2026:  શહેરના રાંદેર વિસ્તારમાં મોરા ભાગળ રોડ પર  ગઈ તા. 19મી ફેબ્રુઆરીના રોજ બાઈક પર આવેલા શખસોએ કાર સાથે અથડાઈને કારચાલક સાથે ઝગડો કર્યો હતો. કારચાલકને ઝગડામાં વ્યસ્ત રાખીને કારનો કાચ તોડીને રૂપિયા 35 લાખની લૂંટ કરીને શખસો નાસી ગયા હતા. કારચાલક અને અન્ય લોકોએ પીછો પણ કર્યો હતો. પણ લૂંટારૂ શખસોનો કોઈ પત્તો લાગ્યો નહતો.આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રોડ પરના સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી. લૂંટારૂ શખસો આંગડિયા પેઢીથી વેપારી કારચાલકનો પીછો કરી રહ્યા હતા. પોલીસે આ કેસમાં અમદાવાદની છારા ગેન્ગના બે શખસોને દબોચી લઈને લૂંટના 19 લાખ રૂપિયા કબજે કર્યા છે.

શહેરના રાંદેર વિસ્તારમાં ગઈ તા. 19 ફેબ્રુઆરીએ આંગડિયા પેઢીમાંથી રૂપિયા 35 લાખ લઈને નીકળેલા વેપારીની ફોર્ચ્યુનર કારનો કાચ તોડી લૂંટ ચલાવનારા અમદાવાદની કુખ્યાત છારા ગેંગના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ટોળકી ખાસ લૂંટના ઈરાદે જ અમદાવાદથી બાઈક પર સવાર થઈ સુરત આવી હતી અને રેકી કરીને આખી ઘટનાને અંજામ આપ્યો હતો. પકડાયેલા આરોપીઓ અજય ઉર્ફે મોટીયા દશરથ ભોગેકર અને નિલેષ ઉર્ફે લીલેશ ફતીયા ભોગેકર સહિત લૂંટારૂ શખસોએ આંગડિયા પેઢીથી વેપારીનો પીછો કર્યો હતો. આરોપીઓ અમદાવાદના છારાનગરથી ગઈ તા. 19 ફેબ્રુઆરીના રોજ મળસ્કે જ પોતાની હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ અને જ્યુપિટર સ્કૂટર લઈને સુરત પહોંચ્યા હતાં. શહેરની સરહદમાં પ્રવેશતા જ હાઈવે પાસે તેઓએ પકડાઈ જવાની બીકે બાઈકની નંબર પ્લેટ પર સ્ટીકર લગાવીને નંબર બદલી નાખ્યા હતા, જેથી કોઈ તેમને ટ્રેક ન કરી શકે. આરોપીઓએ પહેલાથી જ નક્કી કરેલા પ્લાન મુજબ મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીઓ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ફરિયાદી શિવરતન પુનિયા ગણેશ જયેશકુમાર આંગડિયા પેઢીમાંથી 35 લાખ ભરેલો સફેદ થેલો લઈને પોતાની સફેદ ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા હતા. આરોપીઓએ તરત જ પોતાની બાઈક તેમની કાર પાછળ લગાવી દીધી હતી. રામનગર ચાર રસ્તાથી મોરા ભાગળ વચ્ચેના રોડ પર ટ્રાફિકનો લાભ લઈને આરોપીઓએ તક ઝડપી હતી.

લૂંટારુઓએ ફિલ્મી સ્ટાઈલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. વેપારીની ગાડી જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે આરોપીઓએ પાછળથી ફોર્ચ્યુનરને ટક્કર મારી હતી. વેપારીને લાગ્યું કે અકસ્માત થયો છે, તેથી તેઓ તપાસ કરવા માટે ગાડીની બહાર ઉતાર્યા હતાં. વેપારીનું ધ્યાન ભટકતા જ ગેંગના અન્ય બે સાગરીતોએ સ્ફૂર્તિથી ફોર્ચ્યુનરનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો અને સીટ પર પડેલી ₹35 લાખ ભરેલી બેગ લઈને પળવારમાં ગાયબ થઈ ગયા હતાં.

આ ઘટના બનતા જ રાંદેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી. પોલીસ કમિશનરના આદેશથી વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે લૂંટારુઓ બારડોલી તરફ ભાગ્યા છે. પોલીસે બારડોલીથી લઈને મહારાષ્ટ્રના શિરડી, નાસિક અને સાપુતારા સુધીના સેંકડો CCTV કેમેરા તપાસ્યા હતા. સતત પીછો કર્યા બાદ અંતે બાતમી મળી હતી કે આરોપીઓ ચોરીના રૂપિયા સાથે સુરતના અબ્રામા રોડ પરથી પસાર થવાના છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે અબ્રામા ગામથી વેલંજા તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન જ્યુપિટર સ્કૂટર પર જઈ રહેલા અજય અને નિલેષને પોલીસે આંતર્યા હતા. તેમની જડતી લેતા તેમની પાસેથી લૂંટના રોકડા 19,13,500 મળી આવ્યા હતા. પોલીસે રોકડ રકમ અને જ્યુપિટર સ્કૂટર જપ્ત કરી બંનેની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગુનામાં કુલ 4 શખ્સો સામેલ હતા, જેમાંથી બે હજુ ફરાર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code