
જયપુરઃ રાજસ્થાનના બાડમેર જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારમાં ફરી એકવાર ઘુસણખોરીનો બનાવ સામે આવ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ ઝીરો પોઈન્ટ નજીક પાકિસ્તાનના બે નાગરિકોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી સગીર હોવાનું જણાવા મળે છે. બંને પાકિસ્તાનની સરહદ પાર કરીને ભારતના ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. BSFના જવાનોએ સતર્કતા દાખવીને બંનેની અટકાયત કરી હતી તેમજ પ્રાથમિક પૂછપરછ બાદ બંનેને પોલીસના હવાલે કર્યાં હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલી વ્યક્તિનું નામ કાનજી રાયમલ રામ છે, જે પાકિસ્તાનના થારપારકર જિલ્લાના હેમારી વિસ્તારનો રહેવાસી છે. તેમજ તેની સાથે તેનો 7 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળે છે. પોલીસ તથા ઇન્ટેલિજન્સ એજન્સીઓ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસમાં જોતરાઈ છે. બંને વ્યક્તિઓ ભારતીય ભૂમિમાં શા માટે અને કયા હેતુથી આવી હતી, તે જાણવા માટે પૂછપરછ કરવામાં આવી છે. હાલ બંને વ્યક્તિઓની પૂછપરછ ચાલુ છે અને રિપોર્ટ મળ્યા પછી જ આખા મામલાનો ખુલાસો થશે.
બાડમેરના એસપી નરેન્દ્ર મીનાએ જણાવ્યું કે બે લોકો પાકિસ્તાન તરફથી ભારતની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા છે. જેમાંથી એક સગીર છે. બંનેની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.