- પાદરાના સરદાર પટેલ સર્કલ પાસે ટ્રકની અડફેટે બાઈકચાલકનું મોત,
- લૂણા ગામ નજીક સ્પીડ બ્રેકર પરથી બાઈક પટકાતા બાઈકસવાર મહિલાનું મોત,
- બન્ને બનાવોમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી,
વડોદરાઃ શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે જિલ્લાના પાદરા નજીક અકસ્માતના બે બમાવમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેમાં પ્રથમ અકસ્માતનો બનાવ પાદરાના ગોવિંદપુરા પોલીસ ચોકી નજીક સરદાર પટેલ સર્કલ પાસે ટ્રકની અડફેટે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં લૂણા ગામ પાસે પૂર ઝડપે બાઈકચાલકને સ્પિડ બ્રેકર ન દેખાતા બાઈક સ્લીપ થતાં બાઈકસવાર પતિ પત્ની રોડ પર પટકાયા હતા જેમાં બાઈકસવાર મહિલાનું મોત નિપજ્યુ હતું.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા શ્યામદાસ ફળિયામાં રહેતા સોનુ ઉર્ફે સન્ની સુરેશભાઈ માળીનું પાદરા નજીત રોડ અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યું હતું. આ યુવક પાદરાના મોભા ગામે માતાજીના માંડવા દર્શન કરી પરત ફરતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પાદરા રોડ પર આવેલ ગોવિંદપુરા પોલીસ ચોકી સામે રોડ ઉપર ટ્રક કન્ટેનર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. આ મામલે પાદરા પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મૂળ આણંદના આંકલાવના વતની તેજલબેન અને પતિ મુકેશભાઈ પઢીયાર બાઈક પર સવાર તઈને લૂણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્પીડ બ્રેકરને લીધે બાઈક પરથી પત્ની અને બાળક નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં બાળકને સામાન્ય અને માતાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન મહિલાનું મોત થતા પાર પોલીસે અકસ્માત મોત અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


