- બાઈક સર્પાકારે ચલાવતા કારચાલક RTO ઈન્સ્પેટરે હોર્ન મારતા બાઈક સવારો ઉશ્કેરાયા,
- કાર ઊભી રખાવીને RTO ઈન્સ્પેટરને મારમાર્યો,
- પોલીસે બે હુમલાખોર બાઈકસવાર યુવાનોને દબોચી લીધા
સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં આરટીઓ ઈન્સ્પેકટર પોતાની કાર લઈને જતા હતા, તે દરમિયાન તેમની કારની આગળ બાઈકસવાર બે યુવાનો સર્પાકારે બાઈક ચલાવતા હતા.આથી આરટીઓ ઈન્સ્પેક્ટરે હોર્ન મારતા બંને શખસો અકળાયા હતા અને કાર આગળ બાઈક ઉભી રાખી કાચ પર મુક્કા માર્યા હતા. જેથી આરટીઓ ઈન્સ્પેકટર નીચે ઉતરતા બંને શખસોએ તેમના પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં આરટીઓ ઇન્સ્પેકટરને માર મારીને તુમ દુબારા યહાં દિખેગેં તો ગાડી કે સાથે જલા દેંગે અને પોલીસ હમારા કયાં ઉખાડ લેંગી એમ કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસને જાણ કરતા આખરે પોલીસે બંને હુમલાખોરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, સુરતના આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર તુષાર બાબુભાઇ બારીયા (ઉ.વ. 34 રહે. ગ્રીનસિટી, ભાઠા ગામ, સુરત) કાર લઈ પાલ ગૌરવ પથ સ્થિત શ્રીસ્ટાર ટી સ્ટોલની બાજુમાં બર્ન હાઉસ કેફેમાં ચા નાસ્તો કરવા જવા નીકળ્યા હતા. દરમિયાન પૂરફાટ ઝડપે બાઈકસવારે ઇન્સ્પેક્ટરની કારને કટ મારતા અકસ્માત થતાં રહી ગયો હતો. કારચાલક આર.ટી.ઓ ઇન્સ્પેક્ટરે હોર્ન માર્યો તો ઈરાદાપૂર્વક બાઈક કારની આગળ હંકારી સર્પાકારે ચલાવીને કનડગત કરવાનું શરૂ કર્યુ હતું. જો કે ઇન્સ્પેકટરે હોર્ન મારવાનું ચાલુ રાખતા બાઈક કારની સાઈડમાં લાવી કારમાં લાત મારી હતી. જેથી ઇન્સ્પેકટરે કાર સાઈડ ઉપર ઉભી રાખતાની સાથે જ બંને શખસ કારની આજુબાજુ આગળના દરવાજા પાસે દોડી આવ્યા હતા અને કાચમાં મુક્કા માર્યા હતા. જેથી આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર તુષારે સર્તકતા દાખવી લઇ બર્ન હાઉફસ કેફે પાસે જઈ કાર રીવર્સ ઉભી રાખી કારમાંથી ઉતરી નુકસાન થયું છે કે નહીં તે જોઈ રહ્યા હતા. ત્યારે બાઈક ચાલક પૈકી એક શખસે પાછળથી ઇન્સ્પેક્ટરને ગળેથી પકડી રાખ્યા જ્યારે બીજાએ ઉપરાછાપરી મોંઢા ઉપર સાતથી આઠ મુક્કા માર્યા હતા. ઇન્સ્પેકટરે પોલીસ બોલાવાનું કહેતા મોપેડ સવાર બંને યુવાને તુમ યહાં દુબારા દિખોગે તો તુમકો ગાડી કે સાથ જલા દેંગે, તેરે કો જો ઉખાડના હો વો ઉખાડ લેના, હમ તેરે કો છોડેંગે નહીં એવી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.
ઘટનાને પગલે લોકો એકઠા થઈ જતા તેમને આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર તુષારને બચાવ્યો હતો અને પોલીસને જાણ કરતા પોલીસે દોડી આવીને બાઈક સવાર બે યુવાનોને પકડી લીધા હતા. જેમાં પોલીસે કોલેજમાં અભ્યાસ કરતા સોમેલ વિજય ગાયકવાડ (ઉં.વ. 22) અને હોટલ મેનેજમેન્ટનું કામ કરતો પ્રેમ સંજય ગાયકવાડ (ઉ.વ. 23 બંને રહે. સૂર્યમ હોરીઝન, ગેલેક્ષી એવેન્ચુરા નજીક, નિશાલ આર્કેડ, પાલ)ની ધરપકડ કરી છે. જે પૈકી સોમેલ મહારાષ્ટ્ર-મુંબઇના સાંતાક્રુઝના વિદ્યાનગરી રોડ સ્થિત જાદવ મોલ નજીક રહે છે. જયારે પ્રેમ મહારાષ્ટ્ર-મુંબઈના મુલુંડના સી.એચ.એસ અપન બજારની બાજુમાં અંબિકા નગરનો રહેવાસી છે.


