1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં રાત્રે અંબિકા એસ્ટેટમાં લાગેલી આગમાં બે શ્રમિકો ઊંઘમાં જ ભડથું થઈ ગયા
અમદાવાદમાં રાત્રે અંબિકા એસ્ટેટમાં લાગેલી આગમાં બે શ્રમિકો ઊંઘમાં જ ભડથું થઈ ગયા

અમદાવાદમાં રાત્રે અંબિકા એસ્ટેટમાં લાગેલી આગમાં બે શ્રમિકો ઊંઘમાં જ ભડથું થઈ ગયા

0
Social Share

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:   શહેરના નરોડા રોડ પર મેમ્કો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં ઘરઘંટી બનાવતી એક કંપનીમાં ગઈ રાત્રે આગ લાગતા ફાયર ફાયટરો દોડી ગયા હતા. કંપનીમાં લાકડાના સામાનની સાથે પ્લાયવૂડ હોવાથી ગણતરીની મિનીટોમાં જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતું. અને આગ જોતજોતામાં બિલ્ડિંગના ત્રણ માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ એટલી ઝડપથી ફેલાઇ કે પહેલા માળે રાતપાળી કરીને સુતેલા બે શ્રમિકો ઊંઘમાં જ ભડથું થઈ ગયા હતા. બંનેને હોસ્પિટલ પહોંચાડાય તે પહેલા જ બન્ને શ્રમિકોના મોત નિપજ્યા હતા. ફાયરની 10 ટીમોએ સતત પાણીનો મારો ચલાવીને 4 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગના બનાવની વિગતો એવી છે કે, શહેરના નરોડા રોડ પર મેમ્કો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં ઘરઘંટી બનાવતી એક કંપનીમાં ગઈ રાત્રે શોર્ટ-સરકીટને લીધે આગ લાગી હતી. ઘરઘંટી બનાવતી કંપનીમાં લાકડાં અને પ્લાયવુડનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો 10 ગાડીઓ સાથે દોડી આવ્યો હતો. ઘરઘંટી બનાવતી કંપનીમાં આગ લાગી ત્યારે 5 વ્યક્તિઓ કામ કરતા હતા તેમાંથી ત્રણ શ્રમિકો દોડીને બહાર નિકળી ગયા હતા. જ્યારે બે શ્રમિકો અંદર ફસાઈ ગયા હતા. ઘૂમાડો વધુ હોવાના લીધે ફાયર બ્રિગેડની ટીમે માસ્કનો ઉપયોગ કરી ફસાયેલા બંને મજૂરોને બેહોશ હાલતમાં બહાર કાઢી સારવાર માટે મોકલ્યા હતા.

કંપનીના માલિકે જણાવ્યું હતુ કે, છેલ્લા પાંચ વર્ષથી તેઓ આ એકમ ભાડે રાખીને ઘરઘંટીઓ બનાવી રહ્યા છે. બે દિવસ પહેલા દિલ્હીના સહારનપુર ખાતે હું મારા એસ્ટેટના કામથી ગયો હતો, જેને લઈને બે લોકો શનિવારે અમદાવાદ આવ્યા હતા. આ બંને લોકો બપોરના સમયે એસ્ટેટમાં આરામ કરી રહ્યા હતા, તે વખતે મને આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જે બે લોકો અંદર સૂતા હતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ હાલમાં સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ ઘટનાના કારણોની તપાસ ચાલુ છે. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને અંબિકા એસ્ટેટના અમુક એકમોને સીલ કરવાનો નિર્ણય લીધો છે અને દસ્તાવેજો તથા સુરક્ષા ધોરણોની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code