
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલ એટલે 8 માર્ચના રોજ જુનાગઢની મુલાકાતે આવવાના છે. જ્યાં તેઓ ચાંપરડા ખાતે સૈનિક સ્કૂલના નવા ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ કોડીનાર ખાતે સુગર ફેક્ટરી ફરી શરૂ થાય તે માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડના અધિકારીઓને ફેક્ટરી શરૂ કરવાને લઈને અંતિમ કાર્યવાહી પૂર્ણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
આવતી કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 1 દિવસના સોરઠના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ વિસાવદર અને કોડીનારની મુલાકાત લેશે. વિસાવદર ખાતે નવનિર્મિત ખાનગી સૈનિક સ્કૂલના લોકાર્પણ વિધિમાં અમિત શાહ સામેલ થશે. ત્યારબાદ અમિત શાહનો કાર્યક્રમ કોડીનારમાં ખાંડ ફેક્ટરી ખાતે યોજાવવાનો છે. જેમાં કોડીનાર અને તાલાળા ખાતે હયાત ખાંડ ફેક્ટરીને ઇન્ડિયન પોટાશ લિમિટેડને હસ્તાંતરણ કર્યા બાદ ફેક્ટરીમાં કામકાજ શરૂ થાય, તેને લઈને ગૃહમંત્રી અમિત શાહ ઇન્ડિયન પોટાશ લિમિટેડના અધિકારીઓને અંતિમ કાર્યવાહીના ભાગરૂપે ફેક્ટરીનું સંચાલન અને ફેક્ટરી આગામી દિવસોમાં શરૂ થાય તે માટેની કાર્યવાહીને પૂર્ણ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિસાવદર નજીક બ્રહ્માનંદ શૈક્ષણિક સંકુલમાં નવી સૈનિક સ્કૂલના ભવનનું લોકાર્પણ કરશે. આ વિસ્તારમાં સૈનિક તાલીમ સાથે બની રહેલી પ્રથમ સૈનિક શાળાને અમિત શાહ લોકાર્પણ કરશે. જે સોરઠ વિસ્તારનાં બાળકો કે, જે અભ્યાસની સાથે ભવિષ્યમાં સૈનિક બનવા માંગે છે. તેમના માટે આ શાળા આશીર્વાદ સમાન બનશે. ત્યારે બીજી તરફ પાછલા 1 દશકા કરતા વધુ સમયથી બંધ એવો ખાંડ ઉદ્યોગ ફરીથી ધમધમતો થાય તે અંગેના પ્રયાસો હાથ ધરાશે. તાલાલા અને કોડીનાર ખાતે આવેલી ખાંડ ફેક્ટરીનું સંચાલન ઈન્ડિયન પોટાશ લિમિટેડના અધિકારીઓને સોંપાયું છે. તેઓને મળીને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સમગ્ર કાર્યવાહીને અંતિમ ઓપ આપશે, ત્યારબાદ ફેક્ટરીની શરુ કરવાની કામગીરી શરુ કરશે.