
ભારતીય રેલ્વે દ્વારા રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ
નવી દિલ્હીઃ ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તે માટે ભારતીય રેલ્વેએ રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 54 હજારથી વધુ ટ્રેક કિલોમીટરના ટ્રેક પર ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડી શકે તે માટે તેનું આધુનિકીકરણ કરાઇ રહ્યું છે.. ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે, આ અપગ્રેડેશન વિવિધ પ્રદેશોમાં સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે અને રેલ્વેની કાર્યક્ષમતાને વધઉ મજબૂત બનાવે છે.
ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણમાં હાઇ-સ્પીડ કામગીરી માટે ટ્રેકને મજબૂત બનાવવા, ચોક્કસ સંદેશાવ્યવહાર માટે અદ્યતન સિગ્નલિંગ સિસ્ટમ્સનો અમલ અને સુરક્ષા વધારવા અને જોખમો ઘટાડવા માટે સંવેદનશીલ સ્થળોએ વાડ સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન કમાણીમાં ચાર ટકાનો વધારો પણ થયો હોવાનું રેલવે મંત્રાલયે જણાવ્યું હતું.