અમેરિકાએ રશિયાની વધુ બે કંપની ઉપર ફરમાવ્યો પ્રતિબંધ
અમેરિકાએ રશિયાની બે મોટી તેલ કંપનીઓ રોસનેફ્ટ (Rosneft) અને લુકોઇલ (Lukoil) પર કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. 22-23 ઓક્ટોબરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધોના અંતર્ગત આ કંપનીઓની સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી છે અને અમેરિકન તેમજ અન્ય દેશોની કંપનીઓને તેમની સાથે વેપાર કરવા પ્રતિબંધિત કરવામાં આવી છે. યુરોપિયન યુનિયન (EU) એ પણ આ જ પ્રકારના પ્રતિબંધો લાગુ કરવાની જાહેરાત કરી છે.
અમેરિકા અને યુરોપિયન દેશોના જણાવ્યા મુજબ, આ પગલું યુક્રેન યુદ્ધની ફંડિંગ રોકવા માટે લેવામાં આવ્યું છે, કારણ કે આ કંપનીઓ મારફતે રશિયા દર વર્ષે અબજો ડોલર કમાય છે. ભારત હાલમાં તેની કુલ તેલ જરૂરિયાતમાંથી 35-40% કાચું તેલ રશિયાથી આયાત કરે છે, જે દરરોજ આશરે 1.5 થી 1.7 મિલિયન બેરલ થાય છે. અમેરિકાના પ્રતિબંધોને કારણે આ આયાતમાં 40-50% સુધી ઘટાડો થઈ શકે છે, જેના કારણે ભારતને દર વર્ષે 2-3 અબજ ડોલર (રૂ. 16,000 થી 25,000 કરોડ) જેટલો વધારાનો ખર્ચ થઈ શકે છે. તેના પરિણામે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 5-7% સુધી વધારો થઈ શકે છે, જેના સીધા અસર સામાન્ય ગ્રાહકો અને ઉદ્યોગ પર પડશે. ઊર્જા ખર્ચમાં વધારાને કારણે GDP વૃદ્ધિ પર 0.2-0.5% સુધીનો નકારાત્મક પ્રભાવ પડી શકે છે. દરમિયાન ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ તેલની ખરીદી અંગેનો નિર્ણય કરશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી તેલ ખરીદનાર છે, તે રોસનેફ્ટ સાથેના લાંબા ગાળાના કરારોને 21 નવેમ્બર 2025 સુધી સમાપ્ત કરવાની વિચારણા કરી રહી છે. કંપની દરરોજ આશરે 5 લાખ બેરલ તેલ આયાત કરતી હતી. આ પ્રતિબંધોને કારણે કંપનીના નફામાં રૂ. 3,000-3,500 કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે. નાયરા એનર્જી, જે રોસનેફ્ટની સહયોગી છે, તેની રિફાઇનરી હાલ માત્ર 70-80% ક્ષમતા પર ચાલી રહી છે અને તેલની નિકાસ ઘટી ગઈ છે. ઈન્ડિયન ઓઈલ (IOC) અને ભારત પેટ્રોલિયમ (BPCL) જેવી સરકારી કંપનીઓ શરૂઆતમાં યુરોપીયન વેપારીઓ મારફતે આયાત ચાલુ રાખી શકે છે, પરંતુ લાંબા ગાળે મુશ્કેલીઓ વધશે.


