
લખનૌઃ ઉત્તરપ્રદેશના મેજા વિસ્તારના બેદૌલી ગામમાંથી ગુમ થયેલા ચાર માસૂમ બાળકોના મૃતદેહ તેમના ઘરથી થોડે દૂર પાણી ભરેલા ખાડામાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ચાર બાળકોમાંથી બે ભાઈ-બહેન છે અને બાકીના બે પાડોશી છે. માહિતી મળતાં મેજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજેશ ઉપાધ્યાય અને એસીપી મેજા એસપી ઉપાધ્યાય ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ચારેય બાળકોના મૃતદેહને પહેલા સીએચસી રામનગર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મેજા પોલીસ સ્ટેશન વિસ્તારના બેદૌલી ગામની આદિવાસી વસાહતના મોટાભાગના લોકો ગામમાં સ્થિત ઈંટના ભઠ્ઠા અથવા મનરેગામાં મજૂરી કરે છે. તેમની વસાહત પાસે ઈંટનો ભઠ્ઠો ચલાવવામાં આવે છે. માટી કાઢવાની પ્રક્રિયામાં ઈંટના ભઠ્ઠા સંચાલક દ્વારા એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. જે વરસાદી પાણીથી ભરેલો છે. વસાહતના લોકો મનરેગામાં કામ કરવા ગયા હતા. જ્યારે કોલોનીના લોકો સાંજે 5 વાગ્યે ઘરે પાછા ફર્યા, ત્યારે હીરા આદિવાસીનો પુત્ર હુનર (ઉ.વ. 5), પુત્રી વૈષ્ણવી (ઉ.વ.3), પડોશમાં રહેતા સંજય આદિવાસીનો પુત્ર ખેસારી લાલ (ઉ,વ. 5) અને વિમલ આદિવાસીનો પુત્ર કાન્હા (ઉ.વ. 5) તેમના ઘરેથી ગુમ હતા. જેથી બાળકોના પરિવારજનો અને અન્ય લોકોએ તેમની શોધખોળ કરી હતી. જો કે, મોડે સુધી પત્તો નહીં લાગતા અંતે પોલીસને જાણ કરી હતી. દરમિયાન આજે સવારે ઈંટના ભઠ્ઠાની બાજુમાં પાણીથી ભરેલા ખાડામાંથી ચારેય બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ચાર બાળકોના અપમૃત્યુને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.