
નવી દિલ્હીઃ ગુજરાતના અમદાવાદમાં એક સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાની ઘટનાના ઘેરાપ્રતિયાઘાત પડી રહ્યાં છે. આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ઉત્તરાખંડના કાશીપુરમાં એક વિદ્યાર્થીએ સ્કૂલમાં જ એક શિક્ષક ઉપર પિસ્તોલથી ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. નવમા ધોરણના વિદ્યાર્થીએ શાળામાં લંચ બોક્સમાં પિસ્તોલ છુપાવીને લાવ્યો હતો. ત્યારબાદ શિક્ષક પર ગોળી ચલાવી, જેનું કારણ શિક્ષક દ્વારા ક્લાસમાં મારેલી થપ્પડ હોવાનું જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુરમાં આવેલી એક શાળામાં ફાયરિંગની ઘટના બની. 9મા ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થીએ તેના લંચ બોક્સમાં પિસ્તોલ છુપાવીને શાળામાં લાવ્યો હતો અને શિક્ષકને ગોળી ધરબી દીધી હતી. ગોળી શિક્ષકના જમણા ખભા નીચે વાગી, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
માહિતી અનુસાર, શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારતા વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી, વિદ્યાર્થી ગુસ્સામાં પોતાના લંચ બોક્સમાં છુપાવેલી પિસ્તોલ શાળામાં લાવ્યો અને વર્ગખંડમાં જ શિક્ષકને ગોળી મારી દીધી હતી. આ સનસનાટીભરી ઘટના બાદ, સમગ્ર જિલ્લામાં શિક્ષકોમાં ગુસ્સો છે. ઉત્તરાખંડના CBSE બોર્ડ સાથે સંકળાયેલા શિક્ષકોએ આ ઘટનાના વિરોધમાં ધરણા અને હડતાળ પર ઉતરી ગયા છે.