- ઠગ ટોળકીએ વિશ્વાસમાં લેવા માટે સેબીનું સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું,
- પાંચ લાખ સુધીના ઇન્વેસ્ટમેન્ટ પર રોજ 10 થી 15 ટકા સુધી રિટર્ન લાલચ આપી હતી,
- બ્લોક ટ્રેડિંગ અને ક્વાર્ટર પ્રોફિટની લાલચમાં નિવૃત કર્મચારી ફસાયા
વડોદરાઃ સાયબર માફિયાઓ ઓનલાઈન અવનવી લાલચ આપીને લોકોને ફસાવતા હોય છે. ત્યારે વડોદરાના એક નિવૃત બેન્ક કર્મચારી માફિયાને જાળમાં ફસાતા રૂપિયા 30 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. નિવૃત બેન્ક કર્મચારીને રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી હતી.
.આ બનાવની વિગત એવી હતી કે, વડોદરાના માંજલપુર વિસ્તારમાં સંધ્યા સોસાયટીમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિનેશભાઈ જોષીને ગઈતા 16મીએ નુવામા વેલ્થ કંપનીના ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટના નામે મેસેજ આવ્યો હતો. કંગના શર્માના નામે વાત કરતી વ્યક્તિએ બ્લોક ટ્રેડિંગ અને ક્વાર્ટર પ્રોફિટ પ્લાનિંગમાં કામ કરતા હોવાનું કહ્યુ હતુ. ત્યારબાદ કંગના શર્માના નામે વાત કરતી વ્યક્તિએ નિવૃત કર્મચારીની પર્સનલ ડીટેલ મેળવી હતી અને પાંચ લાખ સુધીના ઇન્વેસ્ટમેન્ટ ઉપર રોજ 10 થી 15 ટકા સુધી રિટર્ન મળશે તેવી વાત કરી હતી. જેથી નિવૃત કર્મચારીએ વળતરની લાલચમાં આવીને રૂપિયા 30 લાખ સુધીની રકમ ઇન્વેસ્ટ કરવા માટે તૈયારી બતાવી આ રકમ ટ્રાન્સફર કરી હતી. ઠગ ટોળકીએ વિશ્વાસમાં લેવા માટે સેબીનું સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું. જેમાં તેમની કંપની 50 કરોડ સુધીની રકમ એકાઉન્ટમાં લઈ શકે છે તેમ દર્શાવાયું હતું.
નિવૃત બેન્ક કર્મચારીએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી પાસે વરુણ બેવરેજિસના શેર લેવડાવવામાં આવ્યા હતા. મારે એકાઉન્ટમાં 36.96 લાખનું બેલેન્સ દેખાતું હતું. મને વિશ્વાસમાં લેવા રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રોસિઝર બતાવી એક હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ મને કહેવામાં આવ્યું હતું કે તમારો આઇપીઓ લાગ્યો છે અને તેની 1.26 કરોડની રકમ તમારા ખાતામાં જમા કરી છે. જે રકમ પરત મેળવવા માટે 89 લાખ જમા કરવા કહેવાયું હતું. જેથી મને શંકા જતા સાયબર સેલને જાણ કરી હતી.


