
- 15 લાખ વિદ્યાર્થીની માર્કશીટ અને ડિગ્રી ‘ડિજિલોકર’માં અપલોડ
- VNSGU ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની
- યુનિનો વહિવટ ઓનલાઇન ડેશબોર્ડ અને ઈ-ફાઇલ પદ્ધતિ દ્વારા સંચાલિત થાય છે
સુરતઃ આજના કોમ્પ્યુટરની યુગમાં નવિન ટેકનોલોજી અપનાવીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની છે. યુનિની 95 ટકા વહિવટી કામગીરી ડિજિટલ કરવામાં આવી છે. જેમાં 15 લાખ વિદ્યાર્થીના ‘ડિજિલોકર’માં માર્કશીટ અને ડિગ્રી અપલોડ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીલક્ષી સેવાઓ પણ ઓનલાઈન કરવામાં આવી છે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 95 ટકા કામગીરી પેપરલેસ બની છે. જેમાં એડમિશનથી લઈ સેલરી સ્લિપ, વહીવટી ફાઇલથી લઈને માર્કશીટ અને ડિગ્રી જેવી મહત્ત્વપૂર્ણ પ્રક્રિયાઓ હવે સંપૂર્ણપણે ઓનલાઇન ડેશબોર્ડ અને ઈ-ફાઇલ પદ્ધતિ દ્વારા સંચાલિત થાય છે. વિદ્યાર્થી અને વહીવટની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016થી પેપરલેસ થવા માટે ત્રણ તબક્કામાં કાર્યસૂચિ અમલમાં મુકાઈ હતી. જેમાં પ્રથમ તબક્કોમાં વિદ્યાર્થીઓના એડમિશન ડેટા અને વહીવટી વિભાગોની તમામ ફાઇલો ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સંચાલિત કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા તબક્કોમાં એઆરપી ઓફિસ ઓટોમેશનની શરૂઆત થઈ, જેના દ્વારા શિક્ષક અને કર્મચારીઓના પગારપત્રક, હાજરી અને તમામ કાર્યો ડિજિટલ કરવામાં આવ્યા હતા. તેમજ ત્રીજા તબક્કોમાં વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી ડિજિલોકરમાં અપલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની દ્વારા 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી ડિજિલોકર પ્લેટફોર્મ પર અપલોડ કરી દેવામાં આવી છે, જેના કારણે કોઈપણ વિદ્યાર્થી વિશ્વના કોઈપણ ખૂણામાં બેઠો હોય, માત્ર મોબાઇલ અથવા કોમ્પ્યુટર દ્વારા ડિજિલોકરથી પોતાનું પ્રમાણપત્ર જોઈ શકે છે, ડાઉનલોડ કરી શકે છે અને એનો ઉપયોગ નોકરી, વિદેશ અભ્યાસ કે અન્ય જરૂરિયાત માટે કરી શકે છે. આ ઉપરાંત પહેલા વિદ્યાર્થીઓ કે કર્મચારીઓને કોઈપણ પ્રકારની ફાઈલ અથવા માહિતી માટે ઝેરોક્સ કાઢવી પડતી, હાર્ડકોપી મોકલવી પડતી, જેનાથી ભારે ખર્ચ અને સમય બગાડ થતો હતો. હવે આ બધું બંધ થઈ ગયું છે.
આ અંગે યુનિવર્સિટીના રજિસ્ટાર ડૉ. રમેશ ગઢવીએ જણાવ્યું હતું કે “ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર કાર્ય સદુપયોગ પૂરતો નથી રહ્યો, પરંતુ હવે યુનિવર્સિટીમાં ઈ-ઓડિટ શક્ય બન્યું છે. કઈ ફાઈલ કોના પાસે છે, કેટલા દિવસો સુધી રહી, એની સંપૂર્ણ વિગતો ડેશબોર્ડ પર દર્શાવાય છે. ફાઈલની ગતિ પર નજર રાખી શકાય છે, જેના કારણે કામ ઝડપથી થાય છે અને પેન્ડિંગ કામગીરી ખૂબ ઓછી થઈ છે.