
સૌરાષ્ટ્રમાં રેશનિંગની દૂકાનોને અનાજનો પુરતો મળે છે કે કેમ, તેની વિઝિલન્સ દ્વારા તપાસ
- ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.ની રેશનિંગનો જથ્થો ઓછા મળતો હોવાની ફરિયાદ,
- એસોની રજૂઆત બાદ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી,
- રેશનિંગના વેપારીઓને સમયસર માલ મળી ગયો છે કે નહીં તેની પણ તપાસ,
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત શહેરોમાં પુરવઠા વિભાગની વિઝિલન્સ ટીમોએ તપાસ હાથ ધરી છે. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રેશનીંગના વેપારીઓને ગોડાઉનમાંથી દુકાન સુધી માલ ઓછો પહોંચતો હોવાની ફરિયાદ કરાયા બાદ પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વેપારીઓને ગોદામથી સમયસર અને પુરતો જથ્થો આપવામાં આવે છે કે કેમ તેની પણ નોંધ કરવામાં આવી રહી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પુરવઠા વિભાગની વિઝિલન્સ ટીમો દ્વારા રેશનિંગની દુકાનોમાં સ્ટોકપત્રકની ચકાસણી કરવામાં આવી રહી છે. પુરવઠા નિગમના ગોડાઉનો તથા અમુક મોટી રેશનીંગની દુકાનોમાં પણ સઘન ચકાસણી હાથ ધરી છે. ગુજરાતમાં સસ્તા અનાજની 17,000 દુકાનો અને તેમાં 75 લાખ રાશનકાર્ડ ધારકો છે. પુરવઠો ઓછો પહોંચતો હોવાની ફરિયાદ મામલે વિજિલન્સ ટીમ દ્વારા પ્રથમ વખત રાજ્યમાં મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, વેપારીના રાજય કક્ષાના સંગઠન દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી. ખાસ કરીને હાલમાં દિવાળીના તહેવારોના અનુસંધાને ખાંડ, તેલ અને વધારાના અનાજનું વિતરણ શરૂ થઇ ગયું છે ત્યારે ગોડાઉનો તથા દુકાનોમાં પુરવઠો સમયસર પહોંચતો ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે વેપારીઓને સમયસર માલ મળી ગયો છે કે નહીં તે બાબતે પુરવઠાની વિજીલન્સ શાખાની ટીમોએ આકસ્મિક ચકાસણી રાજકોટ સહિત રાજયભરમાં હાથ ધરી છે.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પુરવઠાની વિજીલન્સે કુલ 8 ટીમોને સમગ્ર રાજ્યમાં રેશનિગના પુરવઠાની તપાસ કરી રહી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ-મોરબી, સુરેન્દ્રનગર, જામનગર તથા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. આ ઉપરાંત ભાવનગર, બોટાદ અને અમરેલીમાં પણ વિજીલન્સ દ્વારા તપાસણી હાથ ધરાઇ છે.