
- રાણીગામ દેપલા ચોકડી પાસે આવેલા બેઠા નાળાના પાણીમાં કાર ફસાઈ હતી,
- પાણીના પ્રવાહમાં ફસાયેલી ઇનોવાને જોતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા,
- બે કાંઠે વહેતી શેત્રુંજીમાંથી ઇનોવા ખેંચી 3ના જીવ બચાવ્યા,
ભાવનગરઃ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. તેમજ ખોડિયાર ડેમ અને શેત્રુંજી ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બેકાંઠે વહી રહી છે. દરમિયાન જેસરના રાણીગામ પાસેના કોઝવે પર શેત્રુંજી નદીના પ્રવાહમાં એક ઈનોવા કાર ફસાઈ ગઈ હતી. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.આ બનાવની જાણ થતાં સ્થાનિક ગ્રામજનોએ દોડી આવ્યા હતા. અને તાત્કાલિક મદદ માટે દોરડા વડે કારમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ગારિયાધારના રૂપાવટી ગામના આશ્રમની મહંત સહિત ત્રણેય વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, જેસરના રાણીગામ પાસેના કોઝવે પર શેત્રુંજી નદીના પ્રવાહમાં એક ઈનોવા કાર ફસાઈ ગઈ હતી. પાણીના પ્રવાહમાં ફસાયેલી ઇનોવાને જોતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠાં થયાં હતાં અને કારમાં સવાર તમામ લોકોને કારમાં દોરડું બાંધી ભારે જહેમત બાદ સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ગ્રામજનોની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી.આ બાબતે ગારિયાધાર તાલુકાના ડિઝાસ્ટર વિભાગના નાયબ મામલતદાર સી.બી.બોળિયા દ્વારા જણાવ્યું હતું કે ગત રાત્રે ગ્રામજનો દ્વારા અમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને બનાવની જાણ થતાં નાયબ માલતદાર દ્વારા ગામના સરપંચને જાણ કરાઈ હતી. ત્યાર બાદ ત્વરિત સ્થળ પર પહોંચી ગ્રામજનો દ્વારા કારમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રૂપાવટી આશ્રમના મહંત મોહનદાસ બાપુ, જેની ઉંમર 80 વર્ષ, અતુલભાઇ ઉંમર 30 વર્ષ, અને ધમુબેન (ઉ.વ.40 ) એમ 3 લોકો કારમાં સવાર હતા, જેઓ મહુવાથી રૂપાવટી આશ્રમ જઇ રહ્યા હતા એ સમયે રાણીગામ દેપલા ચોકડી પાસે આવેલા બેઠા નાળામાં પાણીના પ્રવાહમાં કાર ફસાઈ ગયાં હતાં અને ગ્રામજનો દ્વારા તમામ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યાં હતાં.