
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025 માં ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિને શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે. ક્રેમલિનના અધિકારી યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે પુતિન સોમવારે ચીનમાં એક પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. આ દરમિયાન બંને નેતાઓ ડિસેમ્બરની મુલાકાતની તૈયારીઓ પર ચર્ચા કરશે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે પણ પુતિનની ભારત મુલાકાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અમારો રશિયા સાથે ખાસ અને લાંબા સમયથી સંબંધ છે, અને અમે આ સંબંધને ખૂબ મહત્વ આપીએ છીએ.’ ડોભાલે રશિયાની તેમની મુલાકાત પછી આ નિવેદન આપ્યું હતું, જ્યાં તેમણે ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વિશે વાત કરી હતી. આ મુલાકાત અમેરિકા અને ભારત વચ્ચે તણાવના સમયે થઈ હતી.
આ મહિનાની શરૂઆતમાં પુતિને પીએમ મોદીને ફોન કર્યો હતો. આ દરમિયાન, તેમણે યુક્રેન યુદ્ધ પર અલાસ્કામાં ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત વિશે જણાવ્યુ હતું. વાતચીતમાં મોદીએ યુક્રેન મુદ્દા પર ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો, જેમાં તેમણે શાંતિ માટે રાજદ્વારી અને સંવાદ પર ભાર મૂક્યો. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ વર્ષની શરૂઆતમાં રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે પણ 2025 માં પુતિનની ભારત મુલાકાતની પુષ્ટિ કરી હતી. યુક્રેન યુદ્ધની શરૂઆત પછી પુતિનની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. લવરોવે એપ્રિલમાં કહ્યું હતું કે મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે, જોકે તે સમયે તારીખ નક્કી નહોતી. પુતિને છેલ્લે ડિસેમ્બર 2021માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું ન હતું. ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી ગાઢ સંબંધો રહ્યા છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ અને ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ વધારવાની તક પૂરી પાડશે. પુતિનની મુલાકાત વૈશ્વિક મંચ પર ભારતની રાજદ્વારી સ્થિતિને પણ મજબૂત બનાવશે.