વકફોએ હવે અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ કોર્ટ ફી ચુકવવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચુકાદો
- વકફ બોર્ડ સાથે જોડાયેલી સંસ્થાઓએ સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ભરવી ફરજિયાત
- વક્ફોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150થી વધુ અરજી હાઈકોર્ટે ફગાવી
- ‘કોઈપણ ધાર્મિક સંસ્થા કાયદાથી ઉપર નથીઃ હર્ષ સંઘવી
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે વકફ બોર્ડ અને તેની સંલગ્ન સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવી પડશે. આ સાથે જ હાઈકોર્ટે કોર્ટ ફીમાંથી મુક્તિ માંગતી વકફોની આશરે 150 જેટલી અરજીઓને એકસાથે ફગાવી દીધી છે. હવેથી વક્ફ પણ અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ જ ગણવામાં આવશે. કોર્ટે આદેશ આપ્યો છે કે સંપત્તિને લગતા કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડે પણ હિન્દુ ટ્રસ્ટોની જેમ જ નિયત કોર્ટ ફી ભરવી પડશે.
ગુજરાતમાં વકફ સંસ્થાઓ કેટલીક કાયદાકીય જોગવાઈઓ હેઠળ કોર્ટ ફીમાં છૂટછાટનો લાભ લેતી હતી. હવે મુસ્લિમ વકફોને અન્ય ધાર્મિક ટ્રસ્ટો અથવા સખાવતી સંસ્થાઓની સમકક્ષ ગણવામાં આવશે. ન્યાયિક પ્રક્રિયામાં સામેલ થવા માટે વકફોએ હવે નિયત કોર્ટ ફી ભરવી અનિવાર્ય રહેશે. નિયત કોર્ટ ફી છૂટછાટની માંગ કરતી તમામ 150 જેટલી પડતર અરજીઓને કોર્ટે બિનપાયાદાર ગણીને રદ કરી છે.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ વાદી કાયદેસરની પ્રક્રિયાથી ઉપર નથી. તેથી, અન્ય ધાર્મિક સંસ્થાઓને લાગુ પડતા નિયમો વક્ફને પણ લાગુ પડશે. અત્યાર સુધી જૂના વક્ફ કાયદામાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે કોર્ટ કેસમાં ફી ભરવામાંથી જે મુક્તિ મળતી હતી, તે હવે મળવાપાત્ર રહેશે નહીં. હાઈકોર્ટનો આ આદેશ નાની દરગાહથી લઈને મોટી મસ્જિદોના સંચાલકો સુધી તમામને સમાન રીતે લાગુ પડશે.
આ ચુકાદાને આવકારતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, ગુજરાતની હાઈકોર્ટનો આ નિર્ણય ન્યાયિક ક્ષેત્રે સમાનતા સ્થાપિત કરનારો છે. કોઈપણ ધાર્મિક સંસ્થા કાયદાથી ઉપર નથી. અમારી સરકાર હંમેશા ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સમાન ન્યાય’ના મંત્રમાં માને છે. હિંદુ ટ્રસ્ટો વર્ષોથી કોર્ટ ફી ચૂકવે જ છે, ત્યારે વકફ સંસ્થાઓ માટે અલગ નિયમ હોઈ શકે નહીં. આ ચુકાદાથી કાયદાકીય પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને વહીવટી સમાનતા મજબૂત બનશે. આ ચુકાદા બાદ હવે તમામ ધાર્મિક સંસ્થાઓ માટે એકસમાન કાયદાકીય માળખું અમલી બનશે.


