
- ગુજરાતમાં 14,895 MCFT પાણીની જરૂરીયાત સામે 2.23 લાખ MCFT જથ્થો ઉપલબ્ધ
- ગુજરાતનાં 207 જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 06 ટકા વધુ પાણી સંગ્રહિત
- દરેક ગામડાને પીવા માટેનું પૂરતું પાણી પહોંચાડવા માટે આયોજન
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝન દરમિયાન ગુજરાતનાં નાગરિકોને પીવા માટેનું શુદ્ધ અને પર્યાપ્ત પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં કુલ 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે. જ્યારે, હાલની સ્થિતિએ રાજ્યમાં પીવા માટેના 14.895 MCFT પાણીની જરૂરીયાત સામે આ જળાશયોમાં કુલ 2.23.436 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સ્થિતિએ રાજ્યના સરદાર સરોવર ડેમ સહિતના કુલ 207 જળાશયોમાં પણ કુલ 4.39.129 MCFT જેટલુ પાણી સંગ્રહિત છે, જે ગત વર્ષની સરખામણીએ લગભગ 06 ટકા જેટલું વધુ છે.
વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, હાલમાં રાજ્યના 15.720 ગામોને સરફેસ સોર્સ આધારીત જુથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે, બાકીના 2432 ગામો ભૂગર્ભ જળ આધારીત યોજનાઓથી પીવા માટેનું પાણી મેળવી રહ્યા છે. આ ગામોને પણ જુથ યોજનામાં આવરી લેવા માટેના કામો હાલ પ્રગતિ હેઠળ છે. આમ, રાજ્યના તમામ 18.152 ગામોને પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી મળી રહ્યું છે.
પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના ડેમોમાં 15 જુલાઇ, 2025 સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના દરેક જળાશયમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત રાખ્યા બાદ બાકીના પાણીના જથ્થાનો વપરાશ સિંચાઇ માટે કરવામાં આવે છે, તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.