
નવી દિલ્હીઃ આજરોજ ફરી એકવાર હવામાન બદલાયું અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે દિલ્હીવાસીઓને ફેબ્રુઆરી મહિનામાં ગરમીથી રાહત મળી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીનું હવામાન પ્રમાણમાં ગરમ હતું. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં સરેરાશ મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતા વધારે હતું. 28 ફેબ્રુઆરીના રોજ, ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને NCRના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, વીજળીના કડાકા અને જોરદાર પવન સાથે હવામાન બગડવાની ચેતવણી જારી કરી હતી. 1 માર્ચે દિલ્હી, એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી છે.
- પવન ફૂંકાવાની સાથે વીજળી અને ગાજવીજની પણ આગાહી
લોની દેહાત, હિંડન એરફોર્સ સ્ટેશન, ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર, બલ્લભગઢ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હરિયાણાના અસંધ, સફિદોન, ગનૌર, સોનીપત, ખારખોડા, રેવાડી, પલવલ અને નુહ જેવા વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી. હવામાન વિભાગે આ વિસ્તારોમાં 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળી અને ગાજવીજની પણ આગાહી કરી છે.
- જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન હતું
જ્યારે 28 ફેબ્રુઆરીએ દિલ્હીમાં તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું, જે મોસમી સરેરાશ કરતા 0.9 ડિગ્રી વધુ હતું. 1 માર્ચે પણ દિવસ દરમિયાન હળવો વરસાદ પડવાની શક્યતા છે. વરસાદને કારણે પારો પણ નીચે ગયો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન હતું. આ પહેલા આટલું તાપમાન 2017 માં જોવા મળ્યું હતું.
- આ વખતે ગયા વર્ષની સરખામણીમાં વરસાદ પણ ઓછો હતો
ફેબ્રુઆરીના અંતમાં રેકોર્ડબ્રેક ગરમી અને ગરમ રાતોને કારણે 27 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 19.5 °C સુધી પહોંચી ગયું, જે છેલ્લા 74 વર્ષમાં સૌથી ગરમ રાત હતી. 1951 પછીના બધા જ રેકોર્ડ તૂટી ગયા છે. 27 ફેબ્રુઆરીએ જ દિવસનું મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું, જે આ મહિનાનો સૌથી ગરમ દિવસ હતો. દરમિયાન આ વખતે ગયા વર્ષની સરખામણીમાં વરસાદ પણ ઓછો હતો. ફેબ્રુઆરીમાં ફક્ત ચાર દિવસ વરસાદ પડ્યો હતો, જ્યારે 2024 માં 6 દિવસ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આ વર્ષે માર્ચ દરમિયાન સામાન્ય કરતાં વધુ ગરમીની આગાહી કરી છે.