- AMCના સત્તાધિશો હવે એક્સપર્ટના અભિપ્રાય બાદ જ નિર્ણય લેશે,
- મોટાભાગના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધથી વધુ મુશ્કેલીઓ પડી શકે તેમ છે,
- બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાથી AMTS, BRTS અને ફાયરના વાહનોને પણ રોક લાગી જાત
અમદાવાદઃ શહેરમાં સરદાર બ્રિજ પર તિરાડો જોવા મળ્યા બાદ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા તમામ બ્રિજની ચકાસણી નિષ્ણાંતો પાસે કરાવવામાં આવી રહી છે. દરમિયાન મ્યુનિએ શહેરના 16 બ્રિજ પર ભારે વાહનો પ્રવેશે નહીં તે માટે હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય લીધો હતો. જો કે બ્રિજની મજબુતાઈનો એક્સપર્ટનો રિપોર્ટ આવ્યા પહેલા જ નિર્ણય લેવામાં આવતા વિરોધ ઊભો થયો હતો. એટલે શહેરના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક્સપર્ટના અભિપ્રાય અને રિપોર્ટ બાદ જ આ અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યના તમામ બ્રિજ પર લોડિંગ ક્ષમતા દર્શાવતા સાઈન બોર્ડ અને જૂના બ્રિજ પર રિસ્ટ્રિક્ટેડ હાઈટ બેરિયર લગાવવાની સૂચના આપવામાં આવી હતી. આ આદેશના પગલે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.જો કે, હવે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે કે સીધા બેરિયર લગાવવાને બદલે પહેલા શહેરના તમામ બ્રિજની ‘સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી’ અને ‘ફિઝિબિલિટી’ અંગે વિગતવાર ટેકનિકલ તપાસ કરવામાં આવશે. હાલમાં દરેક બ્રિજની મજબૂતી, રચનાત્મક ક્ષમતા અને સલામતીના ધોરણોનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાથી ભારે વાહનો પસાર થઈ શકશે નહીં, જેમાં એએમટીએસ, બીઆરટીએસ અને ફાયરના મોટા વાહનોને પણ મુશ્કેલી પડી શકે તેમ છે.
મ્યુનિ. કોર્પોરેશને વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી એક્સપર્ટ એજન્સી દ્વારા તપાસ કરીને રિપોર્ટ અને ભલામણો આપવામાં ન આવે ત્યાં સુધી હાઈટ બેરિયર લગાવવામાં આવશે નહીં. આ ઉપરાંત, અત્યાર સુધી આ કામગીરી માટે કોઈ પણ એજન્સીની નિમણૂક પણ કરવામાં આવી નથી. આમ, ટેકનિકલ રિપોર્ટના આધારે જ ભવિષ્યમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.


