
- ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્ક ખાતે વિવિધ થીમ સાથે ઉજવણી કરાશે,
- પ્રકૃતિ ઉદ્યાનમાં નાગરિકોને ભાગ લેવા અનુરોધ,
- બાળકો માટે વાઈલ્ડલાઈફ ક્વિઝનું પણ આયોજન કરાયુ
ગાંધીનગરઃ શહેરના છેવાડે આવેલા ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્ક ખાતે વિવિધ થીમ સાથે આજથી એટલે કે, તા. 2જીથી 8મી ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહ ઊજવાણીનો પ્રારંભ કરાયો છે. આ ઊજવણીમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તે માટે મુલાકાતીઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અરણ્ય ઉદ્યાનમાં નિઃશૂલ્ક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર શહેરમાં ઈન્દ્રોડા પાર્ક ઉદ્યાનમાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો મુલાકોતે આવતા હોય છે. જેમાં શનિવાર-રવિવાર અને જાહેર રજાના દિવસોમાં તો મુલાતીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો હોય છે. ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્ક ખાતે વિવિધ થીમ સાથે વન્યજીવ સપ્તાહની ઊજવણીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જે તાય 8મી ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઊજવણી કરાશે.આ સપ્તાહનો મુખ્ય હેતુ વધુમાં વધુ નાગરિકોને વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. આ વર્ષે ‘’Human-Animal Coexistence’’ વિષયવસ્તુ સાથે વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, જે સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે માનવ અને પ્રાણીઓના સહઅસ્તિત્વ જેવી મહત્વની બાબત પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે.
આ વખતે વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમગ્ર સપ્તાહ દરમિયાન વન્યજીવો આધારિત રસપ્રદ માહિતી સહિત બાળકો માટે વાઈલ્ડલાઈફ ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે.