
- 25%નો વધારો અમલી બને તો પણ સરકારની તિજોરી છલકાશે
- વાંધા – સૂચનો બાદ સરકાર વિચારણા કરીને નિર્ણય લેશે
- જંત્રી દર વધારાથી સરકારની સ્ટેમ્પ ડયુટી આવક રૂા.3300 કરોડ થશે
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા સુચિત જંત્રીના દર જાહેર કરાયા બાદ નાગરિકોના વાંધા-સુચનો માંગવામાં આવ્યા હતા. જેમાં ઓનલાઈન એનેક સંસ્થાઓ અને નાગરિકોએ સુચિત જંત્રીનો ભારે વિરોધ કર્યો હતો, જોકે કેટલાક સુધારા-વધારા સાથે સરકાર 1લી એપ્રિલથી નવી જંત્રી લાગુ કરવાના મુડમાં છે. રાજય સરકારે બજેટમાં પણ રીયલ એસ્ટેટ સંબંધી કોઈ મોટી રાહત આપી નથી તે સમયે રાજય સરકારની સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન આવકમાં 2025/26ના વર્ષમાં જંત્રી દર વધારવાના કારણે જંગી આવક વધારો થશે અને તેથી સરકારને રૂા.3300 કરોડની આવક થશે એવો અંદાજ છે.
રાજ્યના રેવન્યુ વિભાગના સૂત્રોના કહેવા મુજબ સરકારની આવક 2024/25ના વર્ષમાં રૂા.1650 કરોડની હતી. સરકારની આવક ફકત જંત્રી દર વધારાથી ડબલ થઈ જશે. જો કે બજેટમાં આ પ્રકારે સ્ટેમ્પ ડયુટી રજીસ્ટ્રેશનની આવક રૂા.19800 કરોડની થશે તેવું દર્શાવાયુ છે. આ અંગે અધિકારીઓ કહે છે કે બજેટ તૈયારી કરતા સમયે હાલના જંત્રીદર તથા રીયલ એસ્ટેટની વર્તમાન સ્થિતિ અને ટ્રેન્ડના આધારે અંદાજીત આવકનો આંકડો તૈયાર કરવામાં આવે છે. જો કે, રાજય સરકારે નવી જંત્રીના સમય અંગે હજુ કોઈ આખરી નિર્ણય લીધો નથી. તેથી તેની અસર અંદાજીત આવકમાં દેખાય નહી તે સ્વાભાવિક છે અને જંત્રીદર વધારો નિશ્ચિત છે અને તેથી મહેસુલી આવકમાં તેની અસર પડશે તે હાલના અંદાજ કરતા તે અનેકગણી વધુ હશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જંત્રીદર વધારા સામે વ્યાપક ઉહાપોહ થયા બાદ સરકારે તેમાં સુધારા-વધારા ટી-એસેસમેન્ટ વિ. માટે સૂચનો મંગાવ્યા હતા અને તે મળી ગયા છે. હાલ સરકાર વિધાનસભાના બજેટ સત્રમાં વ્યસ્ત છે અને તે સંપન્ન થયા બાદ સંભવત: નવા નાણાકીય વર્ષ 1 એપ્રિલથી નવી જંત્રીનો અમલ શરૂ થઈ જશે અને જે નવા દર છે તેમાં મોટાભાગના રાજયના મહાનગરો અને જયાં ઝડપી વિકાસ છે ત્યાં અનેક ગણા નવા દર લાગુ પડશે. નવી જંત્રીમાં કયાંક તો 2000 ગણો વધારો છે અને સરકાર તબકકાવાર અમલમાં મુકે તો પણ જંત્રી દરના કારણે સરકારની આવકમાં મોટો વધારો થશે. હાલ 25% વધારો પછી દર વર્ષે 25% એટલે કે તે ડબલ થવા લાગશે અને તેથી સરકારને સતત આવક વધતી જ રહેશે.