 
                                    મહિલા ક્રિકેટ વર્લ્ડ કપઃ 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે
મુંબઈઃ ડિફેન્ડીંગ ચેમ્પીયન ઓસ્ટ્રેલીયાને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 49.5 ઓવરમાં 338 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ભલે સારી ન રહી હોય, પરંતુ ફોબી લિચફિલ્ડના 119, એલિસ પેરીના 77 અને એશ્લે ગાર્ડનરના 63 રનની મદદથી ટીમ આટલા મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી. ભારતીય ફિલ્ડિંગ આ મેચમાં ખૂબ જ નબળી રહી હતી. જવાબમાં, ભારતે 339 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો 9 બોલ બાકી રહેતાં 5 વિકેટે 341 રન બનાવીને પાર પાડ્યો.
ભારતીય ટીમની શરૂઆત પણ સારી નહોતી, જેમાં શેફાલી વર્મા 10 અને સ્મૃતિ મંધાના 24 રન બનાવીને પાવરપ્લેમાં જ આઉટ થઈ ગઈ હતી. પરંતુ, અહીંથી કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સ (Jemimah Rodrigues) એ ઇતિહાસ રચ્યો. બંનેએ ત્રીજી વિકેટ માટે 156 બોલમાં 167 રનની સદીની ભાગીદારી નોંધાવી, જેણે ભારતને મેચમાં પાછું લાવી દીધું. કેપ્ટન હરમનપ્રીત કૌરે 88 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી.જ્યારે કેપ્ટન આઉટ થઈ ત્યારે જેમિમાએ જવાબદારી સંભાળી. તેણે માત્ર 134 બોલમાં 127 રન બનાવીને અણનમ રહી અને ટીમને જીત સુધી પહોંચાડી. તેને દીપ્તિ શર્મા (17 બોલમાં 24 રન) અને અમનજોત કૌર (15 રન) તરફથી પણ ટેકો મળ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી ગાર્થ અને સધરલેન્ડે 2-2 વિકેટ લીધી હતી, પરંતુ તે જીત માટે પૂરતું નહોતું. આ જીત સાથે ભારતે મહિલા ક્રિકેટમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 49.5 ઓવરમાં 338 રનમાં થઈ ગયું. આ મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સૌથી વધુ સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ બુધવારે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં સ્થાપિત રેકોર્ડને તોડી નાખ્યો. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં આ બીજો સૌથી વધુ સ્કોર છે. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સૌથી વધુ સ્કોર 2022માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલમાં બન્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 356 રન બનાવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપમાં ભારત સામે પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર છે. ત્યારે ભારતીય મહિલા ટીમે નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.
વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આખી ટુર્નામેન્ટમાં હાર્યું ન્હોતું પરંતુ હવે તેને બહાર કરી દેવાયું છે. સતત 25 વનડે જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ભારતીય ટીમ સામે હારી છે. આ વખતે નવો દેશ વર્લ્ડ ચેમ્પિયન બનશે. બીજી તરફ પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

