
વડોદરાના મકરપુરામાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાં મહાકાય મગરને જોતા કારીગરોમાં ભાગદોડ મચી
- પ્રોજેક્ટના 25 ફુટ ખાડામાંથી મહાકાય મગરને કાઢવા ક્રેનની મદદ લેવી પડી,
- 100 કિલો વજનના મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું,
- વિશ્વામિત્રી નદી નજીકમાં હોવાથી અવાર-નવાર મગરો આવી જાય છે,
વડોદરાઃ શહેરના વિશ્વામિત્રી નદીમાં મગરોનો સૌથી વધુ વસવાટ છે. અને મગરો નદી આસપાસના વિસ્તારોમાં આવી જતા હોય છે. ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી સ્થળે નદીની બાજુમાં કામગીરી દરમિયાન મહાકાય મગર આવી જતા શ્રમિકોમાં ભાગદોડ મચી ગઈ હતી. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પાસે પીલ્લરની કામગીરીના સ્થળે મહાકાય મગર આવી જતા જીવદયા હેમંત વઢવાણા ટીમ દ્વારા રેસ્ક્યૂ કર્યો હતો. આ કામગીરીમાં મહાકાય મગરને બહાર કાઢવો મુશ્કેલ હોવાથી ક્રેનની મદદથી 100 કિલોના મગરને 25 ફૂટ ઊંડેથી સફળ રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે તે સ્થળે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે તે જગ્યાએ પીલ્લર કામગીરી સ્થળે સાડા છ ફૂટનો મહાકાય મગર આવી જતા કામદારોમાં ફફડાટ ફેલાયો હતો. નદી હોવાથી અહીંય મગરો આવતા હોય છે અને કામગીરી સ્થળે કીચડ અને પાણી હોવાથી અહીંયા મગર માઇગ્રેટ કરતા હોય છે. ટીમે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. આ અંગે હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે, અગાઉ આજ જગ્યા પર મગર આવ્યો હતો અને તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. અહીંયા પીલ્લર માટે લોખંડના બોક્સમાં મગરો આવી જાય છે. અમે મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. અમે પાણીમાં ઉતર્યા બાદ મગર કીછડ અને પાણીમાં અંદર જતો રહ્યો હતો. જેથી અમે મોટર દ્વારા પાણી બહાર કાઢ્યું હતું, અને ત્યારબાદ હાઇડ્રાલિકની મદદ લઈ અને મગરની બહાર કાઢ્યો હતો.