
- સિંહદર્શન સમયે બનાવ બન્યાંની લોકચર્ચા
- સિંહે હુમલો કર્યો છતાયે વનવિભાગ ઘટનાથી અજાણ
- ડેડબોડીનું અમરેલી સિવિલમાં પોસ્ટમોર્ટન કરાયુ
અમરેલીઃ જિલ્લાના સિંહની વસતી વધતી જાય છે. આમ તો સિંહને છંછેડવામાં ન આવે તો કોઈ પર હુમલો કરતો નથી. ત્યારે સિંહના હુમલામાં યુવકના મોતનો બનોવ બન્યો છે. જિલ્લાના લાઠી તાલુકાના લુવારીયા ગામની સીમમાં મોડી રાત્રે સિંહના હુમલામાં 22 વર્ષીય અરદીપભાઈ જસ્ફુભાઈ ખુમાણનું મોત થયું છે. મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની વિગતો એવી છે કે, લાઠી તાલુકાના લુવારીયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર વધી છે. ત્યારે લુવારિયા ગામની સીમમાં એક યુવાન પર સિંહે હુમલો કરતા તેનું મોત નિપજ્યુ હતુ. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મોડી રાત્રે સિંહ દર્શન દરમિયાન આ ઘટના બની હોવાની લોકચર્ચા છે. યુવકની લાશને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પીએમ કર્યા બાદ મૃતકની અંતિમ વિધિ વહેલી સવારે કરી દેવામાં આવી હતી. સ્થાનિક વનવિભાગના અધિકારીઓ જાણતા હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા વનવિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા જોકે સિંહના હુમલાથી યુવાનના મોતના સમાચાર સાશિયલ મીડિયામાં વાયરલ થતાં વનવિભાગે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉપરાંત આ ઘટનામાં વનવિભાગની નિષ્ક્રિયતાના કારણે ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ ઉચ્ચ અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે, પરંતુ આખી ઘટના અંગે વનવિભાગ અજાણ હોવાનું જાણકારી દાવો કરી રહ્યા છે
સૂત્રોના કહેવા મુજબ લુવારીયા વિસ્તારમાં સિંહોની અવરજવર વધી હોવાથી સિંહ દર્શન કરવાની ઘટનાઓ પણ વધી રહી છે, જેના કારણે સિંહ દ્વારા હુમલો કર્યાનું અનુમાન લગાવાય રહ્યું છે. મોડી રાતે સિંહ દર્શન દરમિયાન ઘટના બની હોવાનું કહેવાય છે.