નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રમાં જલગાંવ અને રાજસ્થાનનાં જોધપુરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:30 વાગ્યે જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારંભના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેવા જલગાંવની મુલાકાત લેશે. તેઓ એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન તાજેતરમાં જ લખપતિ બનેલા 11 લાખ નવા લખપતિ દીદીઓને પ્રમાણપત્રો આપશે અને તેમનું સન્માન કરશે. પ્રધાનમંત્રી સમગ્ર દેશમાંથી લખપતિ દીદીઓ સાથે વાતચીત પણ કરશે.
પ્રધાનમંત્રી 2,500 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ બહાર પાડશે, જેનો લાભ 4.3 લાખ સ્વસહાય જૂથો (એસએચજી)નાં આશરે 48 લાખ સભ્યોને મળશે. તેઓ 5,000 કરોડ રૂપિયાની બેંક લોનનું વિતરણ પણ કરશે, જેનો લાભ 2.35 લાખ એસએચજીનાં 25.8 લાખ સભ્યોને મળશે.
લખપતિ દીદી યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. સરકારે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
પ્રધાનમંત્રી રાજસ્થાન હાઈકોર્ટનાં પ્લેટિનમ જ્યુબિલી સમારંભનાં સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, જે જોધપુરનાં હાઈ કોર્ટ કેમ્પસમાં યોજાશે. પ્રધાનમંત્રી રાજસ્થાન હાઈકોર્ટ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે.
– #PMModiVisitsMaharashtra
– #PMModiVisitsRajasthan
– #NarendraModi
– #ModiInMaharashtra
– #ModiInRajasthan
– #LakhpatiDidiSammelan
– #RajasthanHighCourt
– #PlatinumJubileeCelebrations
– #Jalgaon
– #Jodhpur
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

