ગાંધીનગર, 27 ઓગસ્ટ 2026 : 101 new ST buses, including 71 Super Express buses, were flagged off રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનોને શ્રેષ્ઠ પરિવહન સુવિધાની ભેટ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા ૧૦૧ નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તમામ નવીન બસોનું ગાંધીનગર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન એસ.ટી. નિગમની મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી. નોંધનીય છે કે, એસ. ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને ઓપરેશન સ્ટાફ રાજ્યની માતા-બહેનો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે ૨૪x૭ અવિરત સેવાઓ આપે છે. અને પોતે આ તહેવારની ઉજવણીનું બલિદાન આપતા હોય છે. રાજ્યની માતા બહેનોની પરિવહન સુવિધા માટે કર્તવ્યનિષ્ઠા બદલ નાયબ મુખ્યમંત્રીએ એસ.ટી નિગમના સૌ કર્મચારીઓને અભિનંદન પાઠવી આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ એસ.ટી. બસનું નિરીક્ષણ કર્યું હતું.
લોકાર્પિત કરાયેલી ૧૦૧ બસોમાં ૭૧ સુપર એક્સપ્રેસ, ૨૦ મિડી અને ૧૦ સ્લીપર કોચનો સમાવેશ થાય છે, જે તમામ બસો રક્ષાબંધન તહેવારના વિશેષ સંચાલનમાં પણ ઉમેરાશે.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિઝનરી પહેલ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર દ્વારા રાજ્યના નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક, સલામત અને આરામદાયક જાહેર પરિવહન સેવા સુનિશ્ચિત કરવાના ભગીરથ પ્રયાસરૂપે નવીન ૧૦૧ એસ.ટી. બસોને જનતાની સેવામાં લોકાર્પિત કરવામાં આવી છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ ૨૬ થી ૩૦ ઑગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ ૬,૫૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય શહેરો અને અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા પ્રમુખ તીર્થધામો પર વિશેષ બસો દોડાવવાનું સઘન આયોજન કરાયું છે. મુસાફરોની સરળતા માટે ઓનલાઈન તેમજ ડેપો પર ઍડવાન્સ બુકિંગની પૂરતી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન નિગમ દ્વારા ૬,૪૦૨ વધારાની ટ્રીપો દોડાવીને ૩.૩૩ લાખ મુસાફરોને સફળતાપૂર્વક સેવા આપવામાં આવી હતી. આ વર્ષે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા આયોજનને વધુ વ્યાપક બનાવી ૬,૫૦૦ એકસ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. એસ.ટી. નિગમ દ્વારા જાહેર જનતાને આ વિશેષ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


