ગાંધીનગર, 27 ઓગસ્ટ 2026 : Distribution of free food grains to over 1.14 crore people ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં અન્ન સુરક્ષા યોજના હેઠળ 25 લાખ જરૂરિયાતમંદ કુટુંબોની 1.14 કરોડથી વધુ લાભાર્થી-જનસંખ્યાને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યત્વે કુલ ૧૩૬ લાખ મે.ટન ઘઉં અને ચોખા તેમજ ૦૩ લાખ મે.ટન બરછટ અનાજનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અન્ન સુરક્ષા વધુ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ તહેવારોમાં તેમજ માસિક દરે કુટુંબ- પરિવારજનોને રાહત દરે તથા વિનામૂલ્યે ઘઉં,ચોખા,ખાંડ,તેલ, ચણા તેમજ બરછટ અનાજનો લાભ આપવામાં આવ્યો છે તેમ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું.
લાભાર્થી કુટુંબ અને લાભાર્થી જનસંખ્યા
અન્ન સુરક્ષા યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં ૩,૦૬,૦૨૬ કુટુંબોના ૧૪,૪૮,૯૪૩ નાગરિકોને લાભ પહોંચાડવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૩-૨૪માં લાભાર્થી પરિવારોની સંખ્યા વધીને ૫,૬૩,૪૦૬ થઈ હતી, જેમાં ૨૫,૪૩,૧૦૧ જનસંખ્યાને સાંકળી લેવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪-૨૫માં ૭,૪૯,૨૫૨ કુટુંબોના ૩૪,૫૩,૪૦૩ નાગરિકોએ લાભ લીધો હતો. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા ૯,૨૦,૬૧૦ કુટુંબોના કુલ ૩૯,૬૫,૩૨૫ નાગરિકોને અનાજનો લાભ આપવામાં આવ્યો છે.
અનાજ વિતરણનો જથ્થો અને ખર્ચ
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનાજના વિતરણની વ્યવસ્થા જોઈએ તો, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૬.૯૧ લાખ મેટ્રિક ટન ઘઉં અને ૧૨.૫૭ લાખ મેટ્રિક ટન ચોખાનું વિતરણ કરાયું હતું. વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૨.૬૬ લાખ મેટ્રિક ટન ઘઉં અને ૨૨.૭૦ લાખ મેટ્રિક ટન ચોખાનું વિતરણ થયું હતું.વર્ષ ૨૦૨૩-૨૪માં ૯.૨૦ લાખ મેટ્રિક ટન ઘઉં, ૧૧.૦૩ લાખ મેટ્રિક ટન ચોખા અને ૧.૨૮ લાખ મેટ્રિક ટન બરછટ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૦.૪૮ લાખ મેટ્રિક ટન ઘઉં, ૧૧.૩૫ લાખ મેટ્રિક ટન ચોખા અને ૦.૮૪ લાખ મેટ્રિક ટન બરછટ અનાજ અપાયું હતું. વધુમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૮.૭૬ લાખ મેટ્રિક ટન ઘઉં, ૧૦.૪૫ લાખ મેટ્રિક ટન ચોખા અને ૦.૮૮ લાખ મેટ્રિક ટન બરછટ અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા અન્ન વિતરણ માટે વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ઘઉં પાછળ રૂ. ૬૬૪૦.૦૪ લાખ અને ચોખા પાછળ રૂ. ૪૪૭૮.૦૬ લાખ મળીને કુલ રૂ. ૧૧,૧૧૮.૧૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૨-૨૩માં ઘઉં માટે રૂ. ૩૨૨૭.૯૨ લાખ અને ચોખા પાછળ રૂ. ૮૪૪૯.૮૫ લાખ મળીને કુલ રૂ. ૧૧,૬૭૭.૭૭ લાખનો ખર્ચ થયો હતો. વર્ષ ૨૦૨૩-૨૪માં ઘઉં માટે રૂ. ૨૪૭૮.૦૨ લાખ અને ચોખા માટે રૂ. ૪૨૮૩.૮૩ લાખ સાથે કુલ રૂ. ૬૭૬૧.૮૫ લાખ ખર્ચવામાં આવ્યા હતા.
જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં ઘઉં પાછળ રૂ. ૩૧૧૧.૪૧ લાખ અને ચોખા પાછળ રૂ. ૪૫૫૪.૫૩ લાખ મળીને કુલ રૂ ૭૬૬૫.૯૪ લાખનો ખર્ચ થયો હતો.જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં ઘઉં પાછળ રૂ. ૨૬૦૦.૭૫ લાખ અને ચોખા પાછળ રૂ. ૪૪૦૦.૫૦ લાખ મળીને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૭૦૦૧.૨૫ લાખનો ખર્ચ કરીને જરૂરિયાતમંદ સુધી સમયસર અને પારદર્શક રીતે અનાજ પહોંચાડવામાં આવ્યું છે તેમ,અન્ન અને નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.


