- દાતાઓ દ્વારા મળેલી ઈ-રિક્ષા કોરોના કાળ બાદ મ્યુનિના ગેરેજમાં ધૂળ ખાઈ રહી છે,
- વિવિધ સંસ્થાઓ દ્વારા 5 વર્ષ પહેલા ઈ-રિક્ષાઓ દાનમાં આપવામાં આવી હતી,
- જાહેરમાં કચરો અને ગંદકી કરનારાને દંડવા ઈ-રિક્ષાનો ઉપયોગ કરાતો હતો
ભાવનગરઃ શહેરમાં 13 વૉર્ડમાં ફરતી મ્યુનિ.કોર્પોરેશનની માલીકીની 13 ઈ-રિક્ષાઓ બિન વપરાશ અને મરામતના અભાવે ભંગાર બની ગઈ છે. મ્યુનિના કર્મચારીઓ ઈ-રિક્ષાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરીને જાહેરમાં કચરો નાખનારા સામે દંડનાત્મક કાર્યવાહી કરતા હતા. જોકે ઈ-રિક્ષા દાતા દ્વારા મ્યુનિને ભેટમાં મળી હતી, અને કોરોના કાળથી 13 ઈ-રિક્ષા મ્યુનિએ ભંગાર હાલતમાં મૂકી દીધી હતી. હાલ મ્યુનિના ગેરેજ વિભાગમાં ઈ-રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે.
ભાવનગર શહેરના 13 વોર્ડ માટે દાતાઓ દ્વારા અપાયેલી 13 ઈ-રિક્ષાઓ પડી પડી ભંગાર બની ગઈ છે. અને ઈ-રિક્ષાઓ હાલ ગેરેજ વિભાગમાં શોભાના ગાઠીયા સમાન પડી પડી ધૂળ ખાઈ રહી છે. કોંગ્રેસે દ્વારા આ ઈ-રિક્ષાઓ શરૂ કરવા અંગે અનેક વખત રજુઆત કરી પણ કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી. ત્યારે હવે સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ 13 ઈ-રિક્ષાને આઉટસોર્સથી આપવાની વાત કરી રહ્યા છે.
ભાવનગર શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજથી 5 વર્ષ પૂર્વે ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને 13 વોર્ડ માટે 13 જેટલી ઈ-રિક્ષાઓ અર્પણ કરવામાં આવી હતી. જે ઈ-રીક્ષા શહેરના વિવિધ વિસ્તારના 13 વોર્ડમાં જાહેરમાં જે લોકો કચરો અને ગંદકી કરતા શખ્સોને દંડ કરી શિક્ષામત પગલાં ભરતું હતું. જાહેરમાં ન્યુસન્સ કરતા લોકો પાસે દંડ વસુલ કરતી, દબાણ લગતી કોઈ સમસ્યા હોય તેની તપાસ કરવી જેવી અનેક કામગીરી થતી હતી.પરંતુ છેલ્લા ઘણા સમય થી 13 ઈ-રિક્ષાઓ હાલ મ્યુનિના ગેરેજ વિભાગમાં મેન્ટનન્સ અને જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહી છે. આ ઈ-રિક્ષાઓ ગેરેજ વિભાગમાં શોભાના ગાઠીયા સમાન બની છે. ત્યારે સોલીડવેસ્ટ વિભાગના અધિકારી ટુક સમયમાં આ બંધ પડેલ ઈ-રિક્ષાઓને આઉટ સોર્સથી આપવા અંગે ટેન્ડર પ્રક્રિયા કરવા અંગેનું જણાવી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ ઈ-રિક્ષાઓ ફરી કાર્યરત કરવામાં આવશે કે માત્ર કાગળ ઉપર જ આ ઈ-રીક્ષા કાર્યરત રહેશે?
આ અંગે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવનગરની અનેક સંસ્થાઓએ ભાવનગરના ડોનેટ રૂપ ઈ-રીક્ષાઓ ફાળવેલી છે. ભાવનગરમાં સ્વચ્છતા વધે અને દંડ રૂપે તે રિક્ષા કામ પણ કરી રહી હતી. બહુ સારું કાર્ય થઈ રહ્યું હતું. કમનસીબે આજે પરિસ્થિતિ એ છે કે આ ઈ-રિક્ષાઓ કન્ડમ અને ભંગારમાં વેચવા જાવ તો ભંગારવાળા પણ ન લે. એવી પરિસ્થિતિ ઈ રિક્ષાની થઈ છે. અમે અનેક વખત મ મ્યુનિ.કોર્પોરેશનમાં રજૂઆત કરી કે આ ઈ-રિક્ષાનો ઉપયોગ તો કરો. ભાવનગરની સામાજિક સંસ્થાઓએ આ ઈ-રિક્ષા આપેલી છે. દાતાઓએ આપેલી રિક્ષાઓ જો તમે સાચવી શકતા નહો તો ભવિષ્યમાં એવું લાગે છે કે ભાવનગર કોર્પોરેશનના આ શાસકો અધિકારીઓ ઉપર કોઈપણ લોકો કોઈ પણ જાતનો વિશ્વાસ રાખવાના નથી.


