
- ભૂસ્તર વિભાગે રેતી ખનનનો નેટવર્કનો કર્યો પડદાફાશ,
- 30 લાખની કિંમતના કુલ 13 વાહનો જપ્ત કરાયા,
- સાબરમતી નદીના પટ્ટમાં બેરોકટોક ખનીજચોરી કરવામાં આવતી હતી
ગાંધીનગરઃ જિલ્લામાં સાબરમતી નદીમાં રેતીનું ખનન થઈ રહ્યુ હોવાથી ફરિયાદો ઊઠ્યા બાદ જિલ્લા કલેકટરના આદેશ બાદ ભૂસ્તર તંત્ર દ્વારા માણસા તાલુકાના ડોડીપાળ (અનોડીયા) ગામ નજીક સાબરમતી નદીના પટ્ટ વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર રેતી ખનનનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. ભૂસ્તર તંત્ર દ્વારા પાડવામાં આવેલી રેડમાં ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા 30 લાખની કિંમતના કુલ 13 વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી નદીમાં છેલ્લા ઘણા વખતથી આયોજનબદ્ધ રીતે રેત ખનનની પ્રવૃતિઓએ માઝા મૂકી દીધી હોવાની વ્યાપક બુમરાણ ઉઠતી રહેતી હોય છે. એવામાં મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની આગેવાની હેઠળ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે પૂર્વ બાતમીના આધારે નદીના પટ્ટ વિસ્તારમાં આકસ્મિક રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન એક ટ્રેક્ટર (બકેટ સાથે રેતી લોડિંગ કરતું), ત્રણ ટ્રેક્ટર રેતી ભરેલી હાલતમાં, ચાર ટ્રેક્ટર ખાલી હાલતમાં અને પાંચ ટ્રેક્ટરની ટ્રોલી ખાલી હાલતમાં મળી આવી હતી. આમ, ગેરકાયદે ખનન અને વહન કરવા બદલ કુલ 13 વાહનો જપ્ત કરીને નિયમોનુસાર સીઝ કરવામાં આવ્યા હતા. જેની કિંમત 30 લાખ આંકવામાં આવી છે. આ વાહનોને ચિલોડા ચેકપોસ્ટ, મોટી શિહોલી, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યા છે.
ભૂસ્તર તંત્ર દ્વારા માણસા તાલુકાના ડોડીપાળ (અનોડીયા) ગામ નજીક સાબરમતી નદીના પટ્ટ વિસ્તારમાં દરોડો પાડતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા ગેરકાયદે ખનન કરાયેલા વિસ્તારની માપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ જપ્ત કરાયેલા વાહનોના માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ હેઠળ દંડાત્મક કાર્યવાહી હાલ ચાલુ છે. મહત્વનું છેકે કલેકટર મેહુલ દવેની સૂચનાથી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે.