 
                                    - બાંગ્લાદેશી મહિલાઓ 5 હજાર રૂપિયાની લાંચ આપીને ભારત પ્રવેશી હતી,
- વધુ રોજગારી મળતી હોવાથી મહિલાઓ અમદાવાદ આવી હતી,
- પોલીસે મકાનમાલિકો સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી
અમદાવાદઃ ગુજરાતમાં રોજગારી વધુ મળતી હોવાને લીધે બાંગ્લાદેશી ઘૂસણખોરી કરીને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આવીને ગેરકાયદે વસવાટ કરતા હોય છે. અમદાવાદના ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત દૂર કરાયા બાદ હજુ પણ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓનો સિલસિલો યથાવત છે. શહેરની સોલા પોલીસે ચાંદલોડિયા, કબુતરખાના , ગોતા હાઉસિંગ, ચાણક્ય એપાર્ટમેન્ટ અને શિવશક્તિ સોસાયટીમાંથી કુલ 17 બાંગ્લાદેશીઓ મહિલાઓને ઝડપી પાડી છે. તમામ મહિલાઓ 5 હજાર રૂપિયામાં ગેરકાયદેસર રીતે ભારત આવી હતી.
અમદાવાદમાં શહેરની સોલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ મહિલા મળી આવી હતી, જેની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે પોતે બાંગ્લાદેશી છે. તે ક્યાં રહે છે તેની તપાસ કરતા વધુ એની ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હતી. સોલા પોલીસે આ તપાસ સતત એક અઠવાડિયું કરી હતી, જેમાં એક બાદ એક કુલ 17 બાંગ્લાદેશીઓ મહિલાઓ ઝડપાઈ હતી. મહિલાઓની વધારે પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આ યુવતીઓ એજન્ટ મારફતે ગુજરાત સુધી પહોંચી હતી. જેમાં 10 દિવસથી લઈને 4 વર્ષથી વસવાટ કરતી હોવાનું સોલા પોલીસની તપાસમાં સામે આવ્યું છે. પોલીસે 17 બાંગ્લાદેશીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતા એવુ જાણવા મળ્યુ હતું કે, બાંગ્લાદેશના એજન્ટ મારફતે માત્ર 5 હજારમાં જ ભારતમાં ગેરકાયદેસર પ્રેવશ લીધો હતો. બાદમાં પહેલા બંગાળમાં થોડો સમય રોકાઈને પશ્ચિમ બંગાળથી આધાર કાર્ડ બનાવ્યા હતા. આ તમામ મહિલા પાસેથી બાંગ્લાદેશના આધાર પુરાવા પણ મળી આવ્યા છે. તદુપરાંત મહિલાઓ પાસેથી જે મોબાઈલ મળી આવ્યા છે, તેમાં બાંગ્લાદેશમાં ઉપયોગમાં લેવાતી IMO ચેટ એપ્લિકેશન પણ મળી આવી હતી.જેમાં બાંગ્લાદેશના સગા સબંધી સાથેના વાત ચિત કર્યાના પુરાવા પણ મળી આવ્યા હતા. એક બાંગ્લાદેશી મહિલા સાથે 8 વર્ષનું બાળક પણ મળી આવ્યું છે. તેનો પતિ અને પરિવાર બાંગ્લાદેશમાં વસવાટ કરે રહ્યા છે. સોલા પોલીસે તમામ મહિલાને બાંગ્લાદેશ પરત મોકલવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસે બાંગ્લાદેશી મહિલાઓ જે મકાનમાં ભાડે રહેતા હતા એવા 5 મકાન માલિક સામે પણ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

