1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં તાપી નદીમાં ગંદકીને દુર કરવા માટે ઉકાઈ ડેમમાંથી 2200 ક્યુસેક પાણી છોડાયું
સુરતમાં તાપી નદીમાં ગંદકીને દુર કરવા માટે ઉકાઈ ડેમમાંથી 2200 ક્યુસેક પાણી છોડાયું

સુરતમાં તાપી નદીમાં ગંદકીને દુર કરવા માટે ઉકાઈ ડેમમાંથી 2200 ક્યુસેક પાણી છોડાયું

0
Social Share

સુરત, 8 મે 2026: 2200 cusecs of water released from Ukai Dam  શહેરની જીવાદોરી સમાન તાપી નદીનું જળસ્તર ઘટતા કોઝવેની સપાટી ચિંતાજનક રીતે ઘટીને 5.10 મીટર સુધી પહોંચી ગઈ હતી. નદીમાં પાણીનું સ્તર ઘટવાની સાથે જ શહેરમાં પીવાના પાણીમાં દુર્ગંધ અને જીવાત આવવાની ફરિયાદો ઉઠતા મ્યુનિ.કોર્પોરેશનની રજુઆત બાદ ઉકાઈ ડેમમાંથી તાત્કાલિક અસરથી 2200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.

સુરતના કોઝવે પર પાણીની સપાટી 6 મીટરની આસપાસ જાળવી રાખવી જરૂરી હોય છે. જો સપાટી 6 મીટરથી નીચે જાય, તો પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટવા લાગે છે અને વહેણ ધીમું પડતા સ્થિર પાણીમાં અશુદ્ધિઓ જમા થવા લાગે છે. હાલમાં શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, જેના કારણે જળાશયોમાં પાણી ઝડપથી ઓછું થઈ રહ્યું છે. સપાટી ઘટીને 5.10 મીટર થતા હવે તળિયાના ભાગે જમા થયેલો કચરો અને સેવાળને કારણે પાણી પીવાલાયક રહ્યું નથી, તેવી બૂમો પડી રહી છે. નદીમાં પણ દૂર્ગંધ સાથે ગંદકી જોવા મળી રહી છે. કોઝવે વિસ્તારના રહીશો અને શહેરના વિવિધ ઝોનમાંથી ફરિયાદો મળી રહી છે કે નળમાં આવતા પાણીમાં વિચિત્ર પ્રકારની સ્મેલ આવી રહી છે. જ્યારે સપાટી 5 મીટરની નીચે પહોંચે છે, ત્યારે પાણીમાં જીવાત પડવાની શક્યતા અનેકગણી વધી જાય છે. આ સ્થિર અને ગંદા પાણીને કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ઝાડા-ઊલટી અને તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જે સીધો પાણીની કથળતી ગુણવત્તા સાથે જોડાયેલો છે.

શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરવા અને કોઝવેમાં રહેલા ગંદા પાણીને રિપ્લેસ કરવા માટે સુરત મ્યુનિ.કોર્પોરેશને રાજ્યના સિંચાઈ વિભાગ સાથે સંકલન સાધ્યું હતું. આ બેઠકના અંતે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની મંજૂરી મેળવવામાં આવી છે. ઉકાઈ ડેમમાંથી દર સેકન્ડે 2200 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ડિસ્ચાર્જ આગામી સતત એક અઠવાડિયા સુધી જાળવી રાખવામાં આવશે. સતત વહેતા પાણીને કારણે કોઝવેની સપાટી ફરીથી 6 મીટરની ઉપર લાવવામાં આવશે, જેનાથી પાણીમાં ઓક્સિજન ભળશે અને દુર્ગંધ તેમજ જીવાતની સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code