- ધી ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિએશનએ કરી રજુઆત,
- બઢતીના શૂન્યાવકાશથી કર્મચારીઓમાં નિરાશા,
- સીધી ભરતી પ્રકિયા ધીમી હોવાથી બેથી ત્રણ વર્ષનો સમય વિતિ જાય છે,
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સચિવાલયમાં સેક્શન અધિકારીઓની 231 જગ્યાઓ ખાલી હોવાથી વહિવટી કામગીરીને અસર પડી રહી છે. સેક્શન અધિકારીઓની ખાલી જગ્યાઓને લીધે અન્ય અધિકારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. આથી ધી ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિએશનએ સેક્શન અધિકારી, વર્ગ-2ની ખાલી જગ્યાઓ તાત્કાલિક ફિડર કેડરના નાયબ સેક્શન અધિકારીઓને બઢતી આપીને ભરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવને વિસ્તૃત લેખિતમાં રજૂઆત કરી છે.
ધી ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ સચિવાલયમાં સેક્શન અધિકારીની કુલ 606 જગ્યા પૈકી 231 જગ્યા એટલે કે 38 ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જેના કારણે હાલ સેવા આપતા અધિકારીઓ પર વધારાનો કામનો બોજ વધ્યો છે અને નીતિ આધારિત અને મહત્વપૂર્ણ કામગીરીની ગતિ પર સીધી અસર થઈ રહી છે. આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની વ્યવસ્થા હોવા છતાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામાં 2-3 વર્ષ લાગતા હોય છે. ઉપરાંત, નિયુક્ત નવા અધિકારીઓને તાલીમ અને અજમાયશી સમયગાળા બાદ કાર્યક્ષમ બનવા 4થી 5 વર્ષ જેટલો સમય લાગી જતો હોવાથી તંત્રમાં કાર્યક્ષમતા અને નિર્ણયક્ષમતાનો અભાવ સર્જાઈ રહ્યો છે.
હાલ સચિવાલયમાં 1350થી વધુ નાયબ સેક્શન અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે, પરંતુ સેવા નિયમો પ્રમાણે વર્ષ 2040 સુધી માત્ર 350 જેટલા અધિકારીઓને જ બઢતી મળવાની શક્યતા છે. બાકી રહેલા લગભગ 1000 કર્મચારીઓ દાયકાઓ સુધી બઢતીથી વંચિત રહેવાની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી કર્મચારીઓમાં અસંતોષ, નિરાશા અને હતોત્સાહ વધી રહ્યો છે. મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવ્યા મુજબ બઢતી ન મળવાને કારણે કર્મચારીઓમાં “ફ્રસ્ટ્રેશન, નિર્ણય પ્રક્રિયામાં વિલંબ અને પોલિસી પેરાલિસિસ જેવા નકારાત્મક પરિણામો” જોવા મળી રહ્યા છે જે રાજ્યના સમગ્ર વહીવટ પર અસરકારક છે.
એસોસિએશને માંગણી કરી છે કે, ભરતી નિયમોમાં યોગ્ય ફેરફાર કરીને સેક્શન અધિકારીની ખાલી જગ્યાઓ તાત્કાલિક ફિડર કેડરના અનુભવી નાયબ સેક્શન અધિકારીઓથી ભરવામાં આવે, જેથી અનુભવ ધરાવતા કર્મચારીઓ વહીવટમાં યથોચિત રીતે યોગદાન આપી શકે અને રાજ્યના વિકાસલક્ષી કાર્યમાં વેગ મળી રહે.


