- 1500 કરોડના સાયબર ફ્રોડના 7 આરોપીની પણ પાસા હેઠળ ધરપકડ,
- સુરત પોલીસે 340 દિવસમાં 939 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી,
- પોલીસની કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ
સુરતઃ રાજ્યના ગૃહમંત્રીના હોમ ટાઉન એવા સુરત શહેરમાં માથાભારે તત્વોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે શહેર પોલીસે ગુનોગારો સામે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતની સૂચનાથી છેલ્લા 6 દિવસમાં કુલ 26 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરીને જેલમાં ધકેલી દેવાયા છે. આ કાર્યવાહીમાં 1500 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 07 મુખ્ય આરોપીઓનો પણ સમાવેશ થાય છે.
સુરત શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરના 1500 કરોડના સાયબર ફ્રોડ કેસમાં સંડોવાયેલા 7 આરોપીઓ – (1) રંજની ઉર્ફે રજની કુંભાણી, (2) હાર્દિક કુંભાણી, (3) દર્શનભાઇ સવાણી, (4) હાર્દિક મૈયાણી, (5) દિપક રાજપુત, (6) પરેશ નાવડીયા, અને (7) સંદિપભાઇ બેલડીયાની પાસા હેઠળ અટકાયત કરી છે. આ તમામ આરોપીઓને અનુક્રમે મહેસાણા, ભુજ અને રાજકોટની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 અને આઇ.ટી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે, જે દર્શાવે છે કે સુરત શહેરના લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે.
આ ઉપરાંત સાયબર ફ્રોડ ઉપરાંત અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતની લાજપોર જેલના ડુપ્લીકેટ જેલર અને ડુપ્લીકેટ જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ બનીને આરોપીઓના સગા-સંબંધીઓ પાસેથી ટિફિન અને અન્ય સુવિધાઓના બહાને પૈસાની માંગણી કરનાર આરોપી રાજેશ ત્રિવેદીને પણ પાસા હેઠળ અમદાવાદની મધસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા અને કુટણખાનું ચલાવનાર આરોપી અમિત ઉર્ફે વિક્કી શાવને પણ પાસા હેઠળ ભુજની ખાસ જેલ ખાતે મોકલી દેવાયો છે. આમ છેલ્લા 6 દિવસમાં સાયબર ફ્રોડ, ડુપ્લીકેટ જેલર, મારામારી, વાહન ચોરી, ધરફોડ ચોરી, મોબાઇલ સ્નેચીંગ, રીક્ષામાં ચોરી તેમજ પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા કુલ 26 ઇસમોને પાસા હેઠળ જેલભેગા કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, આગામી સમયમાં પણ કાયદો અને વ્યવસ્થામાં અવરોધરૂપ બનનાર ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સુરત પોલીસે કુલ 939 આરોપીઓને પાસા હેઠળ મોકલી આપ્યા છે.


