
- CISF વિજિલન્સ ટીમના સભ્યોએ બે પ્રવાસીની હિલચાલ શંકાસ્પદ લાગતા તલાશી લીધી,
- શરીર પર 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી,
- જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી
સુરતઃ સોનાના ભાવમાં અસામાન્ય વધારો થયા બાદ દૂબઈથી સસ્તાદરે સોનું ખરીદીને દાણચોરીથી સોનું ઘૂંસાડવાના બનાવો વધા રહ્યા છે. દૂબઈથી આવતા કેટલાક પ્રવાસીઓ વિવિધ કરકીબો અપનાવીને સોનું લઈ આવતા હોય છે. ત્યારે સુરતના એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ટીમે દુબઈથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી ઉતરેલા બે પ્રવાસીઓ પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, બે દિવસ પહેલા રાતના સમયે દુબઈથી સુરત એરપોર્ટ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ IX-174ના CISF વિજિલન્સ ટીમ અને કસ્ટમ અધિકારીઓએ સંયુક્ત રીતે આ બંને આગમન વિસ્તારમાં CISF વિજિલન્સ ટીમના સભ્યો નિયમિત દેખરેખ અને સુરક્ષા ફરજ પર હતા. આ દરમિયાન ટીમને બે પ્રવાસીઓનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવીને તલાશી લેવામાં આવી હતી, પ્રવાસીઓના સામાનની અને તેમની અંગ ઝડતી કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. બંને પ્રવાસીઓએ ચાલાકીપૂર્વક પોતાના શરીર પર લગભગ 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી, જે જપ્ત કરવામાં આવી છે.
CISF ટીમની આ સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે સોનાની મોટાપાયે દાણચોરીનો એક મોટો પ્લાન નિષ્ફળ બન્યો છે. જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.