1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતથી વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની શિક્ષણ લોનમાં 29 ટકાનો વધારો
ગુજરાતથી વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની શિક્ષણ લોનમાં 29 ટકાનો વધારો

ગુજરાતથી વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની શિક્ષણ લોનમાં 29 ટકાનો વધારો

0
Social Share
  • વિદેશમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી USA,
  • વિદેશમાં કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો થતાં શિક્ષણ લોનમાં વધારો,
  • કેનેડા જતા વિદ્યાર્થીઓમાં થયો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાંથી વિદેશ અભ્યાસ માટે જવાનો વિદ્યાર્થીઓમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બેન્કોમાંથી શિક્ષણ લોન મેળવીને વિદેશમાં અભ્યાસ માટે મોકલતા હોય છે. વિદેશમાં અભ્યાસ માટે પ્રથમ પસંદગી અમેરિકાની હોય છે. ત્યારબાદ વિઝા મળે તો કેનેડા, ઓસ્ટ્રેલિયા. યુકે જર્મની સહિતના દેશોમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જતાં હોય છે. વિદેશમાં પણ મોંઘવારી વધતી જાય છે. ફીમાં પણ વધારો થતો જાય છે. કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો થવાથી ગુજરાતમાં એજ્યુકેશન લોનના વિતરણમાં પણ વધારો થયો છે.

વિદેશમાં અભ્યાસ કરવા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે અને દેશમાં પંજાબ અને  ગુજરાતીઓ સૌથી વધુ વિદેશ અભ્યાસ માટે જઈ રહ્યા છે. વિદેશમાં હાલ કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો થયો છે અને તેના કારણે એજ્યુકેશન લોનના વિતરણમાં પણ વધારો થયો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC) ગુજરાતના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં ગુજરાતમાં એજ્યુકેશન લોન વિતરણમાં 29 ટકાનો વધારો થયો છે.  જે ગયા વર્ષના આ જ સમયગાળામાં 511 કરોડ રૂપિયાની સરખામણીએ 659 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આની સાથે લોન અરજદારોની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે. જે સમાન સમયગાળા દરમિયાન 6,384થી વધીને 8,397 થયો છે.

અમદાવાદ શહેરના એજ્યુકેશન કન્સલ્ટંન્ટના કહેવા મુજબ  છેલ્લા કેટલાક સમયથી યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પોતાની ઈમિગ્રેશન પોલિસીસ વધારે કડક બનાવી છે અને તેમાં સ્ટુડન્ટ વિઝાના નિયમો પણ કડક બનાવ્યા છે. ખાસ કરીને આ વર્ષના પ્રારંભથી જ કેનેડાએ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર કાપ મૂક્યો છે. તેથી કેનેડા જનારા ગુજરાતી સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડો થયો છે, એક પ્રાઈવેટ બેન્કિંગ પ્રોફેશનલે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, તેમની બેંકમાં એજ્યુકેશન લોનની ડિમાન્ડમાં 2022થી 100 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં 95 ટકા અરજીઓ વિદેશ અભ્યાસ જવા ઈચ્છતા લોકો તરફથી આવી છે. સારો સ્કોર અને પ્રોફાઈલ ધરાવતા સ્ટુડન્ટ્સને 75 લાખ રૂપિયા સુધીની અનસિક્યોર્ડ એજ્યુકેશન લોન મળે છે.

અન્ય એક એજન્ટના કહેવા મુજબ યુએસ ડોલર, યુરો અને બ્રિટિશ પાઉન્ડની સામે ભારતીય રૂપિયાના અવમૂલ્યનથી સ્ટુડન્ટ્સના ખર્ચમાં વધારો થયો છે. આ ઉપરાંત વિદેશમાં મોટા શહેરોમાં ભાડા ખર્ચમાં વધારો થવાથી બજેટમાં પણ વધારો થયો છે. આના કારણે એજ્યુકેશન લોનની ટિકિટ સાઈઝ પણ નોંધપાત્ર વધી છે, જેની સીધી અસરથી લોનની રકમ વધી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code