
- તળાવને કાંઠે પડેલી મ્યુનિની બોટ લઈ યુવાનો તળાવમાં ગયા,
- ઊંડા પાણીમાં બોટ ઊંધી વળી જતા ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા,
- ગત રાતે ત્રણેય યુવાનોના મૃતદેહ તળાવમાંથી બહાર કઢાયા
અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવના કાંઠે લીલ કાઢવા માટે ઉપયોગમાં લેવાતી મ્યુનિની બોટ રેઢી પડી હતી. ત્યારે ચાર યુવાનો આવ્યા હતા. એમાં ત્રણ યુવાનો બોટમાં બેસીને હલેસા મારીને તળાવની મધ્યે પહોચ્યા હતા. દરમિયાન કોઈ કારણોસર બોટ ઊંધી વળી જતા ત્રણેય યુવાનો તળાવમાં પડીને ડૂબવા લાગ્યા હતા. પોતાના મિત્રોને ડૂબતા જોઈને કાંઠે ઊભેલા એક મિત્રએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ ત્રણેય યુવાનોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢાય હતા. આ બનાવથી સરખેજ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં ચાર યુવાનો મ્યુનિની તળાવમાંથી લીલ કાઢવા માટે ઉપયોગમાં લેવાતી બોટ લઈને અંદર ગયા હતા. જોકે ચોથો યુવક થોડીવારમાં જ બોટમાંથી ઊંતરી ગયો હતો. જ્યારે બાકીના ત્રણ યુવાન બોટમાં અંદર ગયા હતા. આ દરમિયાન બોટ ઊંધી વળી જતા પપ્પુ ચાવડા, વિશાલ ચાવડા અને રાધે નામના ત્રણેય યુવકનાં ડૂબવાથી મોત થયાં હતાં. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા સૌથી પહેલા બે યુવાનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા ત્યાર બાદ અંધારુ થઈ જતાં શોધખોળમાં મુશ્કેલી પડી હતી. જેથી ફ્લડ લાઇટ ચાલુ કરી ત્રીજા યુવકની શોધખોળ કરી અને રાત્રે 8 વાગ્યા આસપાસ ત્રીજા યુવાનનો મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ રેસ્ક્યૂ ઓપરેશન 2 કલાક સુધી ચાલ્યું હતું. આ દરમિયાન એક મૃતકની માતાએ ભારે આક્રંદ કરતા માહોલ ગમગીન થઈ ગયો હતો. શકરી તળાવ પાસે સિક્યોરિટી ગાર્ડ ન હોવાની વાત પણ સ્થાનિકો પાસેથી જાણવા મળી છે.
આ બનાવ અંગે લઝોન-7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે, સાંજે ત્રણ યુવક તળાવમાં ગયા હતા. આ સમયે બોટ ઉંધી વળી ગઈ હતી. જેમાંથી બેના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. ક્યાંથી નીકળ્યા હતા અને કેમ ગયા હતા એ સહિતની વિગતો તપાસનો વિષય છે.