
- નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 9 દરવાજા ખોલાયા હતા,
- ડેમમાંથી નર્મદા નદીમાં કુલ 1,60,114 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,
- ડેમ 90 ટકા ભરાયો છે
વડોદરાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા, મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો હતો. હવે પાણીની આવકમાં ઘટાડો થતાં નર્મદા ડેમના 9 દરવાજામાંથી 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીનું જોર ઘટતાં હાલ 1,47,370 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. હવે ધીરે ધીરે સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી આવક કરતા જાવક વધારી પુનઃ 2 મીટર જેટલો ખાલી કરી રહી છે.
મધ્યપ્રદેશમાં નર્મદા નદી પરના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના 9 દરવાજા દોઢ મીટર ખોલવામાં આવ્યા હતા. અને નર્મદા નદી કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 135.76 મીટરે હતી. જે પાણીની અવાક ઘટતા ધીરે ધીરે ડેમની સપાટી 135.35 મીટરે પહોંચી છે. 12 કલાકમાં ડેમની જળસપાટી 41 સેમીનો ઘટાડો નોંધાયો હતો. આથી 9માંથી 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
નર્મદા ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા નદી તળ વિધુત મથક (R.B.P.H)ના 6 મશીનો દ્વારા 43,437 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. સાથે 5 દરવાજામાંથી 1,16,677 ક્યૂસેક પાણી મળી સરદાર સરોવર બંધમાંથી નર્મદા નદીમાં કુલ 1,60,114 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ 90 ટકા જેટલો ભરાયેલો છે. સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે.
#SardarSarovarDam #NarmadaDam #WaterRelease #DamOverflow #RiverManagement #FloodControl #MadhyaPradeshRains #DamUpdate #WaterLevel #NarmadaRiver #Hydrology #DamSafety #WaterManagement #FloodAlert #DamOperations