 
                                    • સુદામડા નજીક ડમ્પરે માલધારીને પણ અડફેટે લેતા ગંભીર 
• અકસ્માતને લીધે ટ્રાફિકજામને દ્રશ્યો સર્જાયા
• પોલીસે ડમ્પરચાલકની કરી ધરપકડ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ડમ્પરો પૂર ઝડપે અને બેફામ ચલાવાતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે સાયલા-પાળિયાદ રોડ પર સુદામડા નજીક પૂરઝડપે આવેલા ડમ્પરે 300 જેટલા ઘેટાં-બકરાના ટોળાંને અડફેટે લેતા 40 જેટલા-ઘેટા બકરાંના કચડાઈ જતાં મોત નિપજ્યા હતા. આ બનાવમાં માલધારીને પણ ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરી છે. ડમ્પરચાલક દ્વારા બ્રેક ફેઈલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ પોલીસ તપાસ કરી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-પાળીયાદ હાઈવે પર ડમ્પરની અડફટે આવી જતા અંદાજે 40 જેટલા ઘેટા-બકરાના મોત થયા છે. બેફામ દોડતા ડમ્પરના ચાલકે રોડ પર જઈ રહેલા ઘેટા-બકરાને અડફેટે લીધા હતા. જેથી ગંભીર અકસ્માત થયો હતો. હાઈવે પર ઘેટાં-બકરાં કચડાયેલા જોઈને ગમગીની વ્યાપી ગઈ હતી. બીજી તરફ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના પણ દ્દશ્યો સર્જાયા હતા.
સાયલા –સુદામડા રોડ પર ડમ્પરચાલકે પશુઓને અડફેટે લેતા અંદાજે 40 જેટલા પશુઓના મોત થયા હતા. મૃતક પશુઓને તેમજ અકસ્માત ગ્રસ્ત થયેલા પશુઓને જોઈને પશુ માલિક બાબુભાઈ દેવાભાઈ રબારી હેબતાઈ ગયા હતા. આ બાબતે જીવદયાપ્રેમીઓએ સાયલા મહાજન પાંજરાપોળનો સંપર્ક કરવા માટે પણ જણાવ્યું હતું.
સાયલાથી સુદામડા તરફના રસ્તે અનેક ક્વોરી ઉદ્યોગ જોવા મળે છે. જેના કારણે રાત દિવસ બેકાબૂ ડમ્પરો ચલાવતા જોવા મળે છે. ત્યારે સુદામડા પાસેના ક્વોરીમાં માલ ભરવા જતાં ડમ્પર ચાલક ધીરૂભાઈ ગોવિંદભાઈ બારૈયાએ પૂરઝડપે ડમ્પર ચલાવી રસ્તેથી આગળ જતા હતા. દરમિયાન ડમ્પરચાલકે કાબૂ ગુમાવતાં આગળ જતા 300થી વધુ ઘેટાં બકરાને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 38 જેટલા ઘેટા અને 2 બકરા સહિત કુલ 40 પશુના ઘટનાસ્થળે મોત થયા હતા. લખતર ગામના ડમ્પર ચાલક ધીરૂભાઈ ગોવિંદભાઈ બારૈયા લખતરથી ડમ્પર પર લઈને સુદામડા કવોરીમાં માલ ભરવા જતા હતા. અચાનક બ્રેક ફેલ થઈ જતા આ દુર્ઘટના બની હોવાનું ડમ્પરનો ચાલક કહી રહ્યો છે. પશુપાલક કચ્છના કોટડા ગામના 50 વર્ષના સાજણભાઈ કરણભાઈ ગોહિલને પણ માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થતાં લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે પડી ગયા હતા. સદભાગ્યે તેમની સાથે રહેલા બાબુભાઈ દેવાભાઈ રબારી તેમજ ધનજીભાઈ કરમશીભાઈ દૂર જતા રહેતા બચાવ થયો હતો. પરંતુ સાજણભાઈને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. આ બાબતને સાયલા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ડમ્પરચાલકને ઝડપી લીધો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બાબતની સાયલા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પશુ ચિકિત્સક ડોક્ટર જી.એચ. ગોહિલ તેમજ તન્નાબેન સોલંકી ઘટના સ્થળે પહોંચીને મૃતક પશુઓના પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે સાયલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

