
- સરદાર સરોવર નર્મદા ડેમમાં 10 લાખ ક્યુસેક પાણીની આવક,
- નર્મદા ડેમ છલોછલ થવામાં માત્ર 56 મીટર દૂર,
- નર્મદા નદીમાં પાણી છોડાતા ત્રણ જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરાયા
અમદાવાદઃ રાજ્યની જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાવાની તૈયારીમાં છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહિત જથ્થો 8512 MCM (મિલિયન ક્યૂબિક મીટર) પહોચ્યા છે, ડેમમાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરને જોતાં હાલમાં સપાટી 136.12 મીટર છે, એટલે છલોછલ થવામાં માત્ર 2.56 મીટર દૂર છે. જળસપાટી વધતા નર્મદા ડેમના 5 દરવાજા ખોલીને 95000 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ત્રણ જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 1.52 લાખ ક્યૂસેક છોડાયું છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં 2.10 લાખ ક્યુસેકની આવક છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસપાટીમાં થઈ રહેલા સતત વધારાને લીધે ડેમના 5 દરવાજા ખોલીને 95000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. તેથી નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના નાગરિકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ એન્જિનિયરે ત્રણેય જિલ્લા કલેક્ટરોને સાવધાન કર્યા છે. ત્રણ જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે
નર્મદા નિગમના સૂત્રોના કહેવા મુજબ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ગતરોજ બુધવારે સાંજે 5 કલાકે 1 લાખ 52 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે, જે પાણી રાત્રિના સરદાર સરોવર નર્મદા બંધમાં આવ્યું હતું. એનાથી નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 210776 લાખ ક્યૂસેક જેટલી થઇ રહી છે. નદીમાં પાણીની જાવક 95000 ક્યૂસેક થઇ રહી છે. કેનાલમાં પાણીની જાવક 5242.00 ક્યૂસેક છે. ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને સવારે ડેમના દરવાજા પુનઃ ખોલવામાં આવ્યા છે. ગેટ મારફત મહત્તમ 45,000 ક્યૂસેક અને રિવરબેડ પાવરહાઉસ મારફત 45,000 ક્યૂસેક પાણી છોડવાની જાહેરાતને કારણે નદીમાં મહત્તમ 95,000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.