અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2026: 5000 jobs created as semiconductor plant comes into operation વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ નજીક આવેલા સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા રૂપિયા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિના યુગનો શુભારંભ થશે. અને 5000 યુવાનોને સીધી રોજગારીનો લાભ મળશે.
દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત નેતૃત્વની ભૂમિકામાં છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સઘન પ્રયાસોથી સાણંદમાં માઇક્રોનનો પ્લાન્ટ નિર્ધારિત સમયમાં કાર્યરત થઈ રહ્યો છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધા છે જેમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ-હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રકારનું સ્ટોરેજ માટેનું આધુનિક ઉપકરણ) અને રેમ પ્રકારના DRAM અને NAND ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે.
સાણંદના પ્લાન્ટમાં અત્યારે 2000 લોકોની ટીમ કાર્યરત છે, જેમાં આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. માઇક્રોન ટીમ દ્વારા જણાવ્યા અનુસાર અહીં દિવ્યાંગ નાગરિકો પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે કામ કરે છે અને કૌશલ્યથી સજ્જ તમામ પ્રકારના નાગરિકો માટે નોકરીની તકો ઉપલબ્ધ છે.
માઇક્રોન ટેક્નોલોજીના પ્રમુખ અને સીઇઓ, સંજય મેહરોત્રાએ જણાવ્યું હતું કે આજની ટેકનોલોજીમાં, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, મેમરી અને સ્ટોરેજ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મજબૂત મેમરી અને સ્ટોરેજ સપોર્ટ વિના AI પ્રણાલીઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. જેમ જેમ AI વધુ ઝડપી અને રિઅલ-ટાઇમ પ્રતિભાવો આપવાનું શરૂ કરે છે, તેમ તેને વધારે અને વધુ અદ્યતન મેમરીની જરૂરિયાત પડે છે.


