
- અમરેલીના ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે બની,
- ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક વધતાં ત્રણ દરવાજા ખોલયા,
- શેત્રુંજી ડેમ સાતમી વખત ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદ છવાયો
ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં પણ બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ધારીના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને લીધે શેત્રુંજી નજી પરનો ખોડિયાર ડેમમાં પાણીની આવક થતાં ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. અને શેત્રુજી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. દરમિયાન અમરેલી જિલ્લામાં તેમજ ભાવનગરના પાલિતાણા સહિતના વિસ્તારમાં ભારે વરસાદને લીધે શેત્રુજી નદીમાં પૂર આવતા સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ ચોમાસાની સીઝનમાં સાતમી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક વધતા સૌપ્રથમ મોડી રાત્રે ડેમનું લેવલ જાળવવા 20 દરવાજા એક-એક ફૂટ ખલોવામાં આવ્યા હતા. જોકે, ત્યાર બાદ પણ પાણીની આવકમાં વધારો થતાં મોડી રાત્રિના 3 વાગ્યા આસપાસ ડેમના તમામ 59 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. તેથી નીચાવાળા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે.
ડેમના સૂત્રોના કહેવા મુજબ શેત્રુજી ડેમમાં પાણીની આવક વધતા ગત મઘરાત બાદ 56 દરવાજા એક ફુટ ખોલાયા બાદ આજે સોમવારે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ પાણીની આવક ઘટતા તંત્ર દ્વારા 29 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને હાલ માત્ર 30 દરવાજા એક-એક ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. હાલમાં ડેમાં 2700 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ માત્રામાં જાવક થઈ રહી છે.
શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા પાલીતાણા તાલુકાના 5 ગામો જેમાં નાની રાજસ્થળી, લાપડીયા, લાખાવાડ, માયધાર અને મેઢા ગામને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ તળાજા તાલુકાના 12 ગામો જેમાં ભેગાડી, દાત્રળ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવવા, તરસરા અને સરતાનપર સહિતના ગામોને પણ સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. નદીકાંઠાના ગામોના રહેવાસીઓને નદીના પટ અને કાંઠા વિસ્તાર તરફ ન જવા ચેતવણી આપવામાં આવી છે. પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને નગરજનો તેમજ ગ્રામજનોને સુરક્ષિત સ્થાનો પર રહેવા અપીલ કરવામાં આવી છે. શેત્રુંજી ડેમના વારંવાર ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છે, કારણ કે ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે.